સત્ય. સાહસ. સંકલ્પ.

ઈંગ્લેન્ડના ઝડપી બોલર માર્ક વૂડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, 146 મેચમાં 253 વિકેટ

ઈંગ્લેન્ડના ઝડપી બોલર માર્ક વૂડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, 146 મેચમાં 253 વિકેટ

ઈંગ્લેન્ડના ઝડપી બોલર માર્ક વૂડે 36 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેમણે 11 વર્ષની કારકિર્દીમાં 146 મેચોમાં 253 વિકેટ ઝડપી છે. આ સમયગાળા દરમિયાન તેઓ ઈંગ્લેન્ડની 2019ની વનડે વર્લ્ડ કપ અને 2022ની ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યા હતા. તેમણે ચાર એશિઝ શ્રેણીઓ પણ રમી છે.

વૂડની કારકિર્દી સિદ્ધિઓ ઉપરાંત ઈજાઓ સામેની લડત માટે પણ યાદ રહેશે. ઘૂંટણની ઈજા બાદ તેમણે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુખાવા છતાં બોલિંગ કરી હતી. ત્યારબાદ તેમની સર્જરી થઈ. લગભગ 8 મહિના પછી ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે પર્થ એશિઝ ટેસ્ટમાં વાપસી કરી, પરંતુ તે મેચ દરમિયાન ઘૂંટણમાં ફરી તકલીફ થઈ. ત્યાર પછી તેઓ ઈંગ્લેન્ડ માટે ફરી રમી શક્યા નથી.

વૂડે કહ્યું કે તબીબી સલાહ બાદ હવે તેમના માટે ટેસ્ટ અને 50 ઓવરનું ક્રિકેટ રમવું શક્ય નથી.

2019 વર્લ્ડ કપમાં 18 વિકેટ

વૂડની કારકિર્દીનો સૌથી મોટો તબક્કો 2019 રહ્યો. ઈંગ્લેન્ડમાં રમાયેલા વનડે વર્લ્ડ કપમાં તેમણે 18 વિકેટ ઝડપી. ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે તેમણે દુખાવો અને સાઈડ સ્ટ્રેન હોવા છતાં બોલિંગ કરી. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ ટાઈ થયા બાદ સુપર ઓવર સુધી પહોંચી. વૂડે સમગ્ર ટૂર્નામેન્ટમાં પોતાની ઝડપથી વિરોધી બેટ્સમેનો પર દબાણ બનાવ્યું અને ફાઈનલમાં રોસ ટેલરની વિકેટ પણ ઝડપી. આ જ ટીમે સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત વનડે વર્લ્ડ કપ જીત્યો.

2022 ટી-20 વર્લ્ડ કપમાં 4 મેચ, 9 વિકેટ

2019ની સફળતાના ત્રણ વર્ષ બાદ વૂડ ઈંગ્લેન્ડની બીજી વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ બન્યા. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા 2022ના ટી-20 વર્લ્ડ કપમાં તેમણે 4 મેચોમાં 9 વિકેટ ઝડપી. ઈંગ્લેન્ડે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને બીજી વખત ટી-20 વર્લ્ડ કપ જીત્યો.

એશિઝમાં 2015થી 2023 સુધીની યાદગાર ક્ષણો

વૂડે ચાર એશિઝ શ્રેણીઓ રમી છે. 2015માં પોતાના પ્રથમ એશિઝ અભિયાનમાં તેમણે ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં નાથન લાયનને આઉટ કરીને ઈંગ્લેન્ડની શ્રેણી જીત સુનિશ્ચિત કરી હતી. 2021-22માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેઓ ઈંગ્લેન્ડના સૌથી અસરકારક બોલરોમાંના એક રહ્યા અને શ્રેણીમાં 17 વિકેટ ઝડપી. જોકે ઈંગ્લેન્ડ એ શ્રેણી હારી ગયું હતું. 2023માં તેમણે ટેસ્ટ ટીમમાં વાપસી કરી અને હેડિંગ્લેમાં ઓસ્ટ્રેલિયા સામે ઝડપી બોલિંગથી મેચનું પાસું બદલી નાખ્યું. તે સમયે ઈંગ્લેન્ડ શ્રેણીમાં 2-0થી પાછળ હતું. વૂડના પ્રદર્શનથી ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ જીતી અને અંતે શ્રેણી 2-2થી ડ્રો કરાવી. તેમને તે મેચમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા.

2025 ચેમ્પિયન્સ ટ્રોફી બાદની ઈજાએ કારકિર્દી બદલી નાખી

વૂડની સૌથી મોટી સમસ્યા તેમની ઝડપ નહીં, પરંતુ એ ઝડપને સતત જાળવી રાખતું શરીર રહ્યું. 2025 ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેમના ઘૂંટણમાં ઈજા થઈ. તેમ છતાં તેમણે અફઘાનિસ્તાન સામેની મેચમાં દુખાવો સહન કરીને બોલિંગ કરી. બાદમાં તેમને ઘૂંટણની સર્જરી કરાવવી પડી. ઈંગ્લેન્ડની મેડિકલ ટીમે તેમને ઓસ્ટ્રેલિયામાં 2025-26ની એશિઝ પહેલાં ખૂબ જ સાવધાનીપૂર્વક તૈયાર કર્યા. તેઓ પર્થમાં પ્રથમ ટેસ્ટમાં પરત ફર્યા, પરંતુ બાદમાં તેમણે પોતે સ્વીકાર્યું કે તે મેચ માટે તેઓ સંપૂર્ણપણે તૈયાર નહોતા. તેમણે 11 ઓવર બોલિંગ કરી અને એક પણ વિકેટ લીધી નહોતી. આ દરમિયાન ઘૂંટણની સમસ્યા ફરી ઊભી થઈ. તે મેચ તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બની.

2023માં ઈંગ્લેન્ડે આપ્યો હતો ખાસ 3 વર્ષનો કરાર

વૂડનું મહત્વ એ વાત પરથી જાણી શકાય છે કે 2023ના અંતમાં ઈંગ્લેન્ડે તેમને ત્રણ વર્ષનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તે સમયે આ એક વિશેષ નિર્ણય હતો, કારણ કે ઈંગ્લેન્ડ તેમને ફ્રેન્ચાઈઝી ક્રિકેટ તરફ જતાં રોકીને પોતાની ટીમ માટે ઉપલબ્ધ રાખવા માંગતું હતું. જોકે આ કોન્ટ્રાક્ટ દરમિયાન ઈજાઓને કારણે તેમની રમવાની તકો મર્યાદિત રહી. તેમણે આ સમયગાળા દરમિયાન માત્ર 7 ટેસ્ટ મેચ રમી અને 15 વિકેટ લીધી. ECBના 2025-26ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં વૂડનો એક વર્ષનો કરાર 30 સપ્ટેમ્બર 2026 સુધીનો હતો.

કોન્ટ્રાક્ટ પૂરો થાય તે પહેલાં લીધો નિર્ણય

વૂડે જણાવ્યું કે તેમનો વર્તમાન ઈંગ્લેન્ડ કોન્ટ્રાક્ટ સપ્ટેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે અને તેમને જાણ થઈ ચૂકી હતી કે તેને આગળ વધારવામાં આવશે નહીં. ત્યારબાદ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે ઈંગ્લેન્ડ માટે રમવાનું સપનું તેમણે ક્યારેય છોડવા માગ્યું નહોતું, પરંતુ હવે ટીમ માટે યોગદાન આપવાનો સમય પૂરો થયો છે.