સત્ય. સાહસ. સંકલ્પ.

માર્કો યાન્સનની ધમાકેદાર બોલિંગ, ઓસ્ટ્રેલિયા 99 રનમાં ઓલઆઉટ

માર્કો યાન્સનની ધમાકેદાર બોલિંગ, ઓસ્ટ્રેલિયા 99 રનમાં ઓલઆઉટ

સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર માર્કો યાન્સને ઓસ્ટ્રેલિયા સામે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. 6 ફૂટ 8 ઈંચ ઊંચા યાન્સને પહેલા બેટિંગમાં 85 રન ફટકાર્યા બાદ બોલિંગમાં પાંચ વિકેટ લઈ ઓસ્ટ્રેલિયાને 99 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

ડાબોડી ફાસ્ટ બોલર યાન્સને ટ્રેવિસ હેડ, સ્કોટ બોલેન્ડ, મેટ રેનશો, એલેક્સ કેરી અને બ્યુ વેબસ્ટરને આઉટ કર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ તેમની પાંચમી પાંચ વિકેટની ઇનિંગ છે, અને તેઓએ અલગ-અલગ પાંચ ટીમો સામે આ સિદ્ધિ મેળવી છે. ઉલ્લેખનીય છે કે, યાન્સને ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા સામે પણ પાંચ વિકેટ લીધી છે. શ્રીલંકા સામેની મેચમાં તેમણે 10 વિકેટ લીધી હતી. અત્યાર સુધીમાં 23 ટેસ્ટમાં તેમણે 20.6ની સરેરાશથી 98 વિકેટ લીધી છે.

બોલિંગ પહેલાં યાન્સને બેટિંગમાં પણ યોગદાન આપ્યું હતું. આઠમા ક્રમે બેટિંગ કરતા તેમણે ત્રણ છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી 85 રન બનાવ્યા હતા. ટેમ્બા બાવુમા સાથે આઠમી વિકેટ માટે તેમણે 132 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયા સામે તેમની આ બીજી ટેસ્ટ અડધી સદી છે અને તે ટીમ સામેનો તેમનો શ્રેષ્ઠ સ્કોર છે. ટેસ્ટમાં તેમની આ પાંચમી અડધી સદી છે.

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 425 રન બનાવ્યા હતા, જેમાં ટેમ્બા બાવુમાના 179 રન અને સિમોન હાર્મરના 82 રનનો સમાવેશ થાય છે. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગમાં 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.