સાન ફ્રાન્સિસ્કો સ્થિત સ્ટાર્ટઅપ મેરાથન ફ્યુઝને દાવો કર્યો છે કે તેણે પારાને સોનામાં બદલી નાખ્યું છે. કંપનીએ જણાવ્યું કે આ સિદ્ધિ CERNના અગાઉના રેકોર્ડ કરતાં 10 ગણી સારી છે. જોકે, પ્રયોગમાં કુલ કેટલું સોનું બન્યું તે કંપનીએ જાહેર કર્યું નથી.
મેરાથન ફ્યુઝનનો મુખ્ય ધ્યેય સોનું બનાવવાનો નથી, પરંતુ ન્યુક્લિયર ફ્યુઝન ટેકનોલોજી દ્વારા ઊર્જા ઉત્પન્ન કરવાનો છે. કંપનીના કો-ફાઉન્ડર એડમ રુતકોવ્સ્કીના જણાવ્યા અનુસાર, ફ્યુઝન દરમિયાન ઉપ-ઉત્પાદન તરીકે બનતા સોનાથી મળતા કરોડો ડોલરના આવક દ્વારા ફ્યુઝન પ્લાન્ટના ભારે ખર્ચને પહોંચી વળી શકાશે. તેમની યોજના 1 ગીગાવોટ ક્ષમતાના વ્યાવસાયિક પ્લાન્ટમાંથી દર વર્ષે 2 ટન સોનું ઉત્પન્ન કરવાની છે.
પારામાંથી સોનું બનાવવાની પ્રક્રિયા સમજીએ. પારાના કેન્દ્રમાં 80 પ્રોટોન હોય છે, જ્યારે સોનામાં 79 પ્રોટોન હોય છે. ફ્યુઝન રિએક્શન દરમિયાન ઉત્પન્ન થતા ઝડપી ન્યુટ્રોન પારાના પરમાણુ સાથે અથડાય છે, જેનાથી પારો રેડિયોએક્ટિવ મર્ક્યુરી-197 માં ફેરવાય છે. લગભગ 64 કલાકમાં તે એક ઇલેક્ટ્રોન શોષી લે છે અને એક પ્રોટોન ન્યુટ્રોનમાં બદલાઈ જાય છે, જેનાથી પ્રોટોનની સંખ્યા 79 થઈ જાય છે અને તે સોનું બની જાય છે.
અગાઉ પણ વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં સોનું બનાવવાના પ્રયાસો કર્યા છે. 1980માં નોબેલ વિજેતા ગ્લેન સીબોર્ગે પાર્ટિકલ એક્સેલરેટર વડે બિસ્મથના કેટલાક હજાર પરમાણુઓને સોનામાં ફેરવ્યા હતા, પરંતુ તે અત્યંત ખર્ચાળ હતું. CERNએ 2015-2018 દરમિયાન લાર્જ હેડ્રોન કોલાઇડરમાં સીસાના ન્યુક્લિયસને અથડાવીને લગભગ 86 અબજ સોનાના ન્યુક્લિયસ બનાવ્યા હતા, જે એક સેકન્ડના અતિ નાના અંશમાં જ તૂટી ગયા હતા.
મેરાથન ફ્યુઝનના 2025ના સંશોધન પત્ર મુજબ, 1 ગીગાવોટ થર્મલ પાવર ધરાવતા વ્યાવસાયિક ફ્યુઝન પ્લાન્ટમાંથી દર વર્ષે આશરે 2 ટન સોનું ઉત્પન્ન કરી શકાય છે. જો આ ટેકનોલોજી સફળ થાય તો ભવિષ્યમાં સોનાના ભાવ પર અસર પડી શકે છે, પરંતુ તે સમય જ કહેશે.