વિજ્ઞાન જગતમાં એક ચર્ચાસ્પદ દાવો સામે આવ્યો છે. અમેરિકાની સ્ટાર્ટઅપ કંપની 'મેરાથોન ફ્યુઝન'એ દાવો કર્યો છે કે તેણે પારામાંથી (Mercury) અસલી સોનું બનાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ 'ન્યુક્લિયર ટ્રાન્સમ્યુટેશન' પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવી છે, જેમાં પરમાણુના કેન્દ્રમાં ફેરફાર કરીને એક તત્વને બીજા તત્વમાં રૂપાંતરિત કરવામાં આવે છે.
જોકે, આ દાવાને લઈને કોઈ પુરાવા કે આંકડા જાહેર કરવામાં આવ્યા નથી, જેના કારણે વૈજ્ઞાનિકો અને બજાર નિષ્ણાતો શંકા વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ યુરોપની વૈજ્ઞાનિક સંસ્થા CERNએ 'લાર્જ હેડ્રોન કોલાઈડર'માં પ્રયોગો દ્વારા સોનાના નાભિક (કણો) બનાવ્યા હતા, પરંતુ તે ખૂબ જ ઓછા પ્રમાણમાં હતા. 2015થી 2018 વચ્ચે થયેલા આ પ્રયોગોમાં અંદાજે 86 અબજ સોનાના નાભિક બન્યા હતા, પરંતુ તેમનું કુલ વજન માત્ર 29 પિકોગ્રામ જેટલું જ હતું, જે વ્યવસાયિક ઉપયોગ માટે પૂરતું નથી. વધુમાં, આ કણો બન્યાની સાથે જ ક્ષણભરમાં નાશ પામતા હતા.
'મેરાથોન ફ્યુઝન'નું માનવું છે કે તેઓ ફ્યુઝન રિએક્શનની મદદથી ભવિષ્યમાં વધુ પ્રમાણમાં સોનું બનાવી શકશે. કંપનીના 2025ના એક રિસર્ચ પેપર મુજબ, જો ભવિષ્યમાં એક ગીગાવોટ થર્મલ પાવર ક્ષમતાવાળો પ્લાન્ટ કામ કરે, તો તે દર વર્ષે આશરે 2 ટન સોનું બનાવી શકે છે. જ્યારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા પ્રમાણે, વર્ષ 2025માં વિશ્વની ખાણોમાંથી અંદાજે 3,672 ટન સોનાનું ઉત્પાદન થયું હતું. હાલમાં કંપનીનો રિએક્ટર માત્ર 1 કિલોવોટ પાવર આઉટપુટ આપે છે, જે વ્યાવસાયિક સ્તરથી ઘણો પાછળ છે. તેથી, સોનાની બજાર કિંમતમાં લાંબા ગાળે ઘટાડો થવાની શક્યતા નહિવત્ છે. સાથે જ, આ દાવાઓ વચ્ચે સોનાની કિંમતોમાં થોડી વધઘટ જોવા મળી રહી છે, પરંતુ નિષ્ણાતોના મતે આ ક્ષણિક છે.