ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ અને કાર્યકર્તાઓ સામે કડક વલણ અપનાવવાની ચેતવણી આપી છે. નર્મદા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શબ્દશરણ તડવીના અભિવાદન કાર્યક્રમમાં બોલતા વસાવાએ કહ્યું કે ભાજપમાં રહીને કૉંગ્રેસ કે આમ આદમી પાર્ટીને મદદ કરનારાઓને પક્ષમાં ચલાવી લેવાશે નહીં. જેને આ વાત ખોટી લાગતી હોય તેમણે પક્ષમાંથી નીકળી જવું જોઈએ.
સાંસદે ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જીત માટે ભાજપના જ કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આવા લોકો સામે કાર્યવાહી કરવી જરૂરી છે. આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે ભાજપમાં સત્તા પર બેઠેલા કેટલાક આગેવાનો તલાટીને હપ્તા આપે છે. આ મુદ્દે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં સાંસદે પક્ષની અંદરની બાબતો પર ખુલીને વાત કરી અને પક્ષના નેતાઓ તથા કાર્યકર્તાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવા ચેતવણી આપી. તેમની આ ટકોરથી ભાજપમાં ચર્ચા શરૂ થઈ છે.