સત્ય. સાહસ. સંકલ્પ.

હિંમતનગરમાં જન્મેલા મનોજ જોષી: 100થી વધુ ફિલ્મો, પદ્મશ્રી અને 'કચરા સેઠ'ની ઓળખ

હિંમતનગરમાં જન્મેલા મનોજ જોષી: 100થી વધુ ફિલ્મો, પદ્મશ્રી અને 'કચરા સેઠ'ની ઓળખ

બોલિવૂડની લોકપ્રિય કોમેડી ફિલ્મ 'ફિર હેરા ફેરી'માં 'કચરા સેઠ'નું પાત્ર ભજવનાર અભિનેતા મનોજ જોષીનો જન્મ ગુજરાતના હિંમતનગર જિલ્લામાં થયો હતો. તેઓ 14 ડિસેમ્બર 1965ના રોજ જન્મ્યા હતા. ફિલ્મ, રંગમંચ અને ટેલિવિઝન એમ ત્રણેય ક્ષેત્રોમાં કામ કરનારા મનોજ જોષીએ અત્યાર સુધીમાં 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

મનોજ જોષી ઉત્તર ગુજરાતના હિંમતનગર નજીક આવેલા અડપોદરા ગામના વતની છે. તેમનો જન્મ એક ગુજરાતી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ નવનીત જોષી હતું. તેમના નાના ભાઈ રાજેશ જોષી પણ અભિનેતા હતા, જેમનું 1998માં અવસાન થયું હતું.

સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી સ્નાતક થયા બાદ મનોજ જોષીએ મરાઠી થિયેટરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે ગુજરાતી અને હિન્દી થિયેટરમાં પણ કામ કર્યું. થિયેટરમાં સફળ કારકિર્દી બાદ 1999માં આવેલી ફિલ્મ 'સરફરોશ'થી તેમણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મમાં તેમણે એસઆઈ બજ્જુની ભૂમિકા ભજવી હતી, જ્યારે તેમના ભાઈએ બાલા ઠાકુરનું પાત્ર ભજવ્યું હતું.

તેમણે 'ચાણક્ય', 'એક મહલ હો સપનો કા', 'રાઉ' (મરાઠી), 'સંગદિલ', 'કભી સૌતેન કભી સહેલી' અને 'મુરા રસ્કા મૈ લા' (મરાઠી) જેવી ટેલિવિઝન શ્રેણીઓમાં પણ અભિનય કર્યો છે. 'ચક્રવર્તિન અશોક સમ્રાટ'માં તેમણે ચાણક્યની ભૂમિકા ભજવી હતી. તેમની ફિલ્મોમાં 'હંગામા', 'હલચુલ', 'ધૂમ', 'ભાગમ ભાગ', 'ચૂપ ચૂપ કે', 'ભૂલ ભુલૈયા' અને 'બિલ્લુ'નો સમાવેશ થાય છે. 'ફિર હેરા ફેરી' (2006)માં કચરા સેઠ તરીકેની તેમની ભૂમિકા ખૂબ લોકપ્રિય થઈ હતી.

મનોજ જોષીને તેમના અભિનય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સહિત અનેક સન્માન મળ્યાં છે. 2018માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેઓ બોમ્બે આર્ટ સોસાયટીના ઉપપ્રમુખ પણ છે. હાલમાં તેઓ મુંબઈમાં રહે છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસ'નું શૂટિંગ કરતી વખતે તેમને સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે તેમણે દૃષ્ટિ ગુમાવી દીધી હતી અને દોઢ વર્ષ સુધી પથારીવશ રહ્યા હતા.