સત્ય. સાહસ. સંકલ્પ.

મનોજ જોશીનો ઇન્ટરવ્યૂ: 'ચાણક્ય' સિરિયલ બંધ થઈ હતી, અભિવ્યક્તિની સ્વતંત્રતા નિભાવવી પડે

મનોજ જોશીનો ઇન્ટરવ્યૂ: 'ચાણક્ય' સિરિયલ બંધ થઈ હતી, અભિવ્યક્તિની સ્વતંત્રતા નિભાવવી પડે

સેન્સર બોર્ડની નવી ટીમમાં તાજેતરમાં જ સ્થાન મળ્યું છે તે અંગે જાણીતા અભિનેતા મનોજ જોશીએ 'દિવ્ય ભાસ્કર' સાથે વાત કરી હતી. તેમણે પોતાની અભિનય કારકિર્દીનો એક કિસ્સો યાદ કર્યો, જ્યારે તેમની ટીવી સિરિયલ 'ચાણક્ય' દૂરદર્શન પરથી બંધ કરી દેવામાં આવી હતી.

મનોજ જોશીએ કહ્યું, "હું વર્ષો પહેલાં 'ચાણક્ય' નામની સિરિયલ કરતો હતો. જ્યારે એ સિરિયલનો 44 કે 46મો એપિસોડ આવ્યો ત્યારે તે સિરિયલને દૂરદર્શન પર બંધ કરી દેવાઈ. કારણ એવું આપવામાં આવ્યું કે તમે દેશને સંબોધન કરવાનું કામ ન કરો, મનોરંજન આપવાનું કામ કરો. પણ આ તો આપણો ઇતિહાસ છે, તો સિરિયલ શેના માટે બંધ કરવામાં આવી?"

મનોજ જોશીની હાલમાં જ સૂચના અને પ્રસારણ મંત્રાલય (I&B) દ્વારા જાહેર કરાયેલી સેન્સર બોર્ડની 18 સભ્યોની નવી ટીમમાં પસંદગી થઈ છે. તેમણે કહ્યું કે આ નિમણૂક બદલ તેઓ ભારત સરકાર અને મંત્રાલયના આભારી છે. આ એક જવાબદારીનું કામ છે, જેમાં 18 લોકોની ટીમનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે આ આનંદનો વિષય છે, પણ સાથે જવાબદારી પણ એટલી જ છે.

જ્યારે તેમનું નામ જાહેર થયું ત્યારે તેઓ શૂટિંગમાં વ્યસ્ત હતા. ન્યૂઝમાં સમાચાર આવતાં જ તેમને ફોન આવ્યો કે તેમની પસંદગી થઈ છે. ત્યાર બાદ સત્તાવાર લોકો તરફથી ઈમેલ અને ફોન પણ આવ્યા. આ તેમના માટે સરપ્રાઈઝની વાત હતી.

અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે તેમણે કહ્યું કે દરેક સર્જનશીલ વ્યક્તિ, ફિલ્મ નિર્માતા, નિર્દેશક, લેખક કે કલાકારે વિચારવું જોઈએ કે તેમની કૃતિની સમાજના માનસ પર શી અસર થશે. તેમણે કહ્યું કે સંવિધાનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે, પણ મારી અભિવ્યક્તિથી આસપાસના લોકોને તકલીફ ન થવી જોઈએ. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે જાહેરમાં આળસ મરડવી એ મારી સ્વતંત્રતા છે, પણ એ બાજુવાળાના મોઢા પર વાગે તો યોગ્ય નથી. તેમના મતે દરેક સર્જનશીલ વ્યક્તિએ વિવેકબુદ્ધિથી 'સેલ્ફ સેન્સરશિપ' કેળવવી જોઈએ.

અભિનેતા તરીકેની સ્વતંત્રતા અને બોર્ડના સભ્ય તરીકેની જવાબદારી વચ્ચે સંતુલન કેવી રીતે રાખશે તે અંગે પૂછતાં તેમણે કહ્યું કે અભિનય કરતી વખતે કોઈ અજુગતો સંવાદ વાંચવામાં આવે કે જેનાથી ભાવનાઓ દુભાઈ શકે, તો તેઓ વિવેકબુદ્ધિથી નિર્દેશકને તે લાઇન બદલવા કહે છે અને તાર્કિક કારણ પણ આપે છે. આ સ્વતંત્રતા દરેક અભિનેતાને હોય છે. તેમણે ઉમેર્યું કે ફિલ્મ ભલે નિર્દેશકનું માધ્યમ હોય, પણ કલાકાર તરીકે પડદા પર તેમને દેખાવાનું હોય છે, તેથી માધ્યમ તરીકે કહેવાની ફરજ પણ હોય છે. તેમની ઘણી ફિલ્મોમાં આવું બન્યું છે. સાવધાન રહેવું અને વિવેકબુદ્ધિ જાગૃત રાખવી એ દરેક કલાકારની ફરજ છે.

મુંબઈ સિવાય અન્ય રાજ્યમાં સેન્સર બોર્ડની ઓફિસ હોવી જોઈએ કે નહીં તે અંગે તેમણે કહ્યું કે હા, હોવી જોઈએ. ગુજરાતમાં ફિલ્મોનું પ્રમાણ વધી રહ્યું છે અને પ્રગતિ થઈ રહી છે, તેથી ત્યાં પણ સેન્સર બોર્ડ હોવું જોઈએ. આવી માગ તેમણે 2-3 વર્ષ પહેલાં I&B મંત્રાલયમાં પણ કરી હતી. પહેલાં ગુજરાતી ફિલ્મો ઓછી બનતી હતી, પણ હવે તેની સંખ્યામાં વધારો થયો છે, જેના કારણે ફિલ્મ લઈને મુંબઈ આવવું પડે છે. જો ગુજરાતમાં સેન્સર બોર્ડની ઓફિસ હોય તો પછી રિવ્યૂ માટે ફિલ્મ મુંબઈ આવવી જોઈએ.

સેન્સર બોર્ડમાં કઈ બાબતો હળવી કરવાથી ફિલ્મોને ફાયદો થાય તે અંગે તેમણે કહ્યું કે છેલ્લા ઘણા સમયમાં કોઈ ફિલ્મ માટે મોટો વિવાદ ભાગ્યે જ થયો છે. દેશ વિવિધતામાં એકતા ધરાવે છે. કોઈ વ્યક્તિને જરાક કહીએ તો પણ કયા સમાજને શું ખોટું લાગશે તેની ખબર હોતી નથી. ક્યારેક આવા આક્ષેપો થતા હોય છે. તેથી વ્યક્તિએ વિવેકબુદ્ધિથી વિચારીને કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે તેમણે સેન્સર બોર્ડની નિયમાવલીનો અભ્યાસ શરૂ કર્યો છે, પણ એવું નથી લાગતું કે દરેક ફિલ્મ માટે વિવાદ સર્જાયો હોય.