મણિપુરમાં ફરી હિંસા ભડકી છે. કુકી અને નાગા સમુદાય વચ્ચે અથડામણ થતાં કામજોંગ અને ઉખરૂલ જિલ્લામાં તંગદિલી વ્યાપી છે. શુક્રવારે રાત્રે સશસ્ત્ર સંગઠનો અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબારમાં 1 મહિલાનું મોત થયું. કુલ 9 લોકો માર્યા ગયા છે. 14થી વધુ મકાનોને આગ લગાડાઈ છે. હાલ કરફ્યૂ લાદી સુરક્ષા દળો તૈનાત કરાયા છે.
મણિપુરના કામજોંગમાં શુક્રવારે રાત્રે સશસ્ત્ર સંગઠનો અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. હિંસાની અલગ અલગ ઘટનાઓમાં કુલ નવ લોકો માર્યા ગયા છે. તાજેતરની હિંસાની ઘટનાઓ કુકી અને નાગા સમુદાય બહુમત વાળા વિસ્તારોમાં વધુ જોવા મળી રહી છે.
મણિપુરના કામજોંગ અને ઉખરૂલ જિલ્લાઓમાં હિંસાની ઘટનાઓ ફરી સામે આવી રહી છે. નાગા સમુદાય બહુમત વિસ્તાર કામજોંગ જિલ્લામાં કુકીઓની વધુ વસતી ધરાવતા છસદ ગામમાં એક 22 વર્ષીય યુવક અને 42 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ પાંચ બાળકોની માતા આ મહિલાને ગળાના ભાગે ગોળી વાગી હતી, તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
બાદમાં કુકી અને નાગા સમુદાયના સશસ્ત્ર સંગઠનો વચ્ચે સામસામે ગોળીબાર પણ થયો હતો જે શનિવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. જે દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે 14થી વધુ મકાનોને આગ લગાવી દેવાઇ હતી.
હાલમાં કેટલાક વિસ્તારોમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કુકી અને નાગા સમુદાય વચ્ચે હિંસાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધી કુલ 40થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક મકાનોને આગ લગાવી દેવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં સુરક્ષાદળો અને સશસ્ત્ર સંગઠનો વચ્ચે સામસામે ભારે ગોળીબાર પણ થયો હતો. હાલમાં તંગદીલી વાળા વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો, પોલીસને તૈનાત કરવામાં આવી છે. મણિપુરમાં કુકી અને મૈતેઇ સમુદાય વચ્ચે લાંબા સમય સુધી હિંસાની ઘટનાઓ સામે આવતી રહી છે, જોકે હવે કુકી અને નાગા સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી છે.