મણિપુરના સેનાપતિ જિલ્લાના કાલાજાન ગામમાં ઉગ્રવાદીઓએ નગા સમુદાયને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં રાંકી અને પૌમાઈ નામના બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘટના ધોળા દિવસે બની હોવાનું જણાવાયું છે.
શરૂઆતમાં અધિકારીઓએ આ ઘટના કાંગપોકપી જિલ્લામાં બની હોવાની માહિતી આપી હતી, પરંતુ પછી સ્પષ્ટ થયું કે હુમલો નગા બહુમતી ધરાવતા કાલાજાન ગામમાં થયો હતો.
મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે આ હિંસક ઘટનાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું છે. બીજી તરફ, પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આ હત્યાઓની ટીકા કરતાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ચાલુ વર્ષના નવ મહિનામાં 60થી વધુ લોકોની હત્યા થઈ ચૂકી છે. રાંકી અને પૌમાઈની હત્યા ચિંતાનો વિષય છે.
એન. બિરેન સિંહે વધુમાં જણાવ્યું કે હથિયારધારી ઉગ્રવાદીઓ લોકોના ઘરોમાં ઘૂસીને ઊંઘમાં જ ગોળી મારી દે છે. તેમણે પ્રશ્ન કર્યો કે આપણે ક્યાં સુધી આ રીતે લાશો ગણતા રહીશું. જવાબદાર લોકોએ જવાબદારી લેવી જોઈએ અને બગડતી કાયદો-વ્યવસ્થાને કાબૂમાં લાવવી જોઈએ.
મણિપુરમાં છેલ્લાં એક-બે વર્ષથી હિંસાનો દોર ચાલી રહ્યો છે. આ ઘટના એ શ્રેણીની નવી કડી છે.