ઈમ્ફાલ: મણિપુરમાં સોમવારે જંગલમાંથી લાકડાં વીણવા ગયેલા 16 લોકોના જૂથ પર ઉગ્રવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ત્રણ શ્રમજીવીઓના મોત થયા છે, ત્રણ લોકો ઘાયલ થયા છે અને ત્રણ ગુમશુદા છે. આ ઘટના ઈમ્ફાલ પૂર્વ અને કાંગપોકપી જિલ્લાની સરહદે બની હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોમાં અરૂબમ રોનિલ (35), લૈરેન લોકપમ ઈનાઓબી (51) અને ક્ષેત્રિમાયુમ સુશીલ (32)નો સમાવેશ થાય છે. રોનિલ અને ઈનાઓબીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે સુશીલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
ઘાયલ થયેલા એન સૂરજ (19), મેડ્સનામ સોમેન્દ્રો (53) અને કે. બોસન (45)ને સારવાર આપવામાં આવી રહી છે. આ લોકો સવારે 7 વાગ્યાના સુમારે પોતાના ગામ પાસેની પહાડીઓ પરથી બળતણ માટે લાકડાં લેવા ગયા હતા, ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
ઘટનાના વિરોધમાં સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી વાઈ ખેમચંદ સિંહના ઘર બહાર દેખાવો કર્યા હતા. પ્રદર્શનકારોએ બે મૃતકોના શબ મુખ્યમંત્રીના ઘરની બહાર મૂકી દીધા હતા. પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે અશ્રુવાયુના ટેટા ફોડ્યા હતા.
મુખ્યમંત્રીએ ઘાયલોને હોસ્પિટલમાં જઈને ખબર-અંતર પૂછ્યા હતા, પરંતુ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા. મોડેથી મૃતકોના શબોને જવાહરલાલ નહેરૂ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ ખાતે લઈ જવાયા હતા. મુખ્યમંત્રીના ઘર અને ત્યાં સુધી જતા રસ્તાઓ પર સુરક્ષા વધારી દેવાઈ છે. આ બનાવ પછી સમગ્ર ઈમ્ફાલમાં બજારો અને દુકાનો બંધ રહ્યા હતા.