મણિપુરમાં મૈતેઈ અને કૂકી સમુદાય વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે રાજ્યના રાજકીય ગલિયારામાં પણ જોવા મળી રહી છે. કૂકી સમુદાયના નાયબ મુખ્યમંત્રી નેમચા કિપગેન અને નાગા સમુદાયના નાયબ મુખ્યમંત્રી લોસી દિખો વચ્ચે ગંભીર આરોપો લાગ્યા છે.
પહેલી સપ્ટેમ્બરના રોજ નાગા નાયબ મુખ્યમંત્રી લોસી દિખો અને આઠ નાગા ધારાસભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને કિપગેન સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. નાગા ધારાસભ્યોનો આક્ષેપ છે કે કિપગેન કૂકી ઉગ્રવાદી જૂથોને આશ્રય આપી રહ્યા છે. તાજેતરમાં નાગા લોકોના અપહરણ અને હત્યાના બનાવો દરમિયાન તેમણે પોતાનો ફોન બંધ રાખ્યો હતો, જેના કારણે તેમની ભૂમિકા પર સવાલો ઉઠ્યા છે.
આ આરોપોને પાયાવિહોણા ગણાવતાં નેમચા કિપગેને સફાઈ આપી હતી. તેમણે કહ્યું, 'મારા અને મારા પતિ પર લગાવાયેલા આક્ષેપો તથ્યહીન છે. હું નાયબ મુખ્યમંત્રી બન્યા પછી જ કૂકી અને નાગા સમુદાયો વચ્ચે વિવાદ કેમ ઉગ્ર બન્યો?' અપહરણના સમયે ફોન બંધ હોવાના આરોપ અંગી તેમણે જણાવ્યું કે, 'તે સમયે હું ફ્લાઈટમાં હતી. ઉતરતાની સાથે જ મેં કાર્યવાહી કરીને 18 નાગા બંધકોને સુરક્ષિત છોડાવવામાં મદદ કરી હતી.'
નોંધનીય છે કે કિપગેનના પતિ થંગબોઈ કુકી નેશનલ ફ્રન્ટ (KNF)ના વડા છે. KNF હાલમાં કેન્દ્ર સરકાર સાથેના ઓપરેશન કરાર (Suspension of Operations) હેઠળ છે. કિપગેને કહ્યું કે આવા જૂથોની પ્રવૃત્તિઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો સંયુક્ત રીતે દેખરેખ રાખે છે.
રાષ્ટ્રપતિ શાસન હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે મણિપુરમાં સમુદાયો વચ્ચે સંતુલન જાળવવા મૈતેઈ નેતા યુમનામ ખેમચંદ સિંહને મુખ્યમંત્રી અને કૂકી તથા નાગા સમુદાયમાંથી એક-એક નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. જોકે, નાગા ધારાસભ્યોએ ચેતવણી આપી છે કે જો કેન્દ્ર સરકાર કિપગેન સામે યોગ્ય પગલાં નહીં ભરે તો તેઓ સરકારને ટેકો પાછો ખેંચી લેશે. આ પરિસ્થિતિમાં રાજ્યમાં રાજકીય સંકટ વધી શકે છે.