મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા એન. બિરેન સિંહે પોતાની પાર્ટીના જ કેટલાક રાજ્યસ્તરના નેતાઓ પર આરોપ લગાવ્યો છે કે તેમણે કોંગ્રેસ સાથે મળીને તેમની વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો આરોપ કેન્દ્રીય નેતૃત્વ પર નથી, પણ રાજ્યના કેટલાક નેતાઓ પર છે.
બિરેન સિંહે કહ્યું, “2017થી મારી સાથે સારો વ્યવહાર થયો નથી. કેટલાક ધારાસભ્યો એ વાત પચાવી શક્યા નહોતા કે હું કોંગ્રેસમાંથી આવ્યા પછી પણ બે વાર મુખ્યમંત્રી કેવી રીતે બન્યો. તેઓ ભાજપને પોતાની માલિકી સમજે છે અને તેથી જ કાવતરું રચીને મારી પાસેથી રાજીનામું અપાવ્યું.” તેમણે ઉમેર્યું કે હાલમાં વાય. ખેમચંદ સિંહ સરકાર ચલાવી રહ્યા છે અને તેઓ 2025માં તેમને હટાવવાની માંગ કરનારા મુખ્ય નેતાઓમાં સામેલ હતા.
ફેબ્રુઆરી 2025માં પોતાને હટાવ્યા બાદ પણ રાજ્યમાં હિંસા ચાલુ રહેવા અંગે તેમણે વર્તમાન સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું, “મને હટાવવાથી મણિપુરમાં શાંતિ લાવવામાં શું મદદ મળી? હવે તો હું બહાર છું, તો પછી હિંસા કેમ ન અટકી? પહેલા તેઓ કહેતા હતા કે હું બહુમતી સમુદાયનો પક્ષ લઉં છું, પરંતુ હવે આ લડાઈ ખ્રિસ્તી વિરુદ્ધ ખ્રિસ્તીની બની ગઈ છે.”
જુલાઈ 2023માં યુરોપિયન સંસદે ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા, હિંસા રોકવા અને તપાસની અપીલ કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. તે અંગે બિરેન સિંહે કહ્યું કે તે વલણ પક્ષપાતી હતું.
આગામી વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે લોકોનો ગુમાવેલો વિશ્વાસ પાછો મેળવવા તાત્કાલિક પગલાં ભરવા પડશે, એમ તેમણે જણાવ્યું. તેમના મતે મુખ્ય રાજકીય મુદ્દાઓ પર સ્પષ્ટ પગલાં ન લેવાતાં લોકોનો ભરોસો ઘટી રહ્યો છે, જે ચૂંટણીમાં પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે. નશા વિરોધી અને અફીણની ખેતી નાબૂદી જેવા અભિયાનો હવે બંધ થઈ ગયા છે, એમ તેમણે દાવો કર્યો.
સરકારે શંકાસ્પદ ઘૂસણખોરોની બાયોમેટ્રિક ઓળખ ચાલુ રાખવી જોઈએ અને સરહદ પર વાડ ઊભી કરવાનું કામ આગળ ધપાવવું જોઈએ, એવી માંગ તેમણે કરી. જે લોકો ગેરકાયદે દેશમાં આવ્યા છે તેમને દેશનિકાલ ન કરી શકાય તો ઓછામાં ઓછું કેમ્પમાં રાખવા જોઈએ, એમ તેમણે કહ્યું.
પોતાને ફરી મુખ્યમંત્રી બનાવવાની જનતાની માંગ હોવાનો દાવો કરતાં બિરેન સિંહે કહ્યું કે તેઓ પોતાની જાતે કોઈ દાવો કરી શકે નહીં, પરંતુ લોકો તેમને ફરી મુખ્યમંત્રી પદે જોવા માંગે છે. તેમણે ઉમેર્યું કે ચૂંટણીમાં પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળ્યા પછી જ આવા નિર્ણયો લેવાતા હોય છે. તેમણે પાર્ટીની કેન્દ્રીય નેતાગીરીને હસ્તક્ષેપ કરવાની અને રાજ્યના ભવિષ્ય માટે ચોક્કસ આયોજન હોવાનો ભરોસો લોકોને આપવાની અપીલ કરી છે.