સત્ય. સાહસ. સંકલ્પ.

માણેકચોકમાં ગેરકાયદે ભઠ્ઠીઓ: સલામતીના મુદ્દે ચિંતા વધી

માણેકચોકમાં ગેરકાયદે ભઠ્ઠીઓ: સલામતીના મુદ્દે ચિંતા વધી

અમદાવાદના ઐતિહાસિક માણેકચોક અને આસપાસના રહેણાંક વિસ્તારોમાં સોના-ચાંદી ગાળવાની તથા પોલિશ કરવાની 150થી વધુ ભઠ્ઠીઓ ગેરકાયદે ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. આ પ્રવૃત્તિઓને કારણે સ્થાનિક રહીશોના જીવને જોખમ છે, તેમજ પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે.

હેરિટેજ વિસ્તારમાં આવેલા માણેકચોક, ખાડિયા સહિતના કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી આ ભઠ્ઠીઓ ધમધમી રહી છે. તાજેતરમાં જ ત્યાં આગની ઘટના બની હતી, જે બાદ તંત્ર દ્વારા કેટલાક એકમોની ચકાસણી કરી નોટિસ આપવામાં આવી હતી. જોકે, સ્થાનિકોનું કહેવું છે કે આ માત્ર એક ઘટના છે અને વાસ્તવમાં આવા અનેક એકમો હજુ પણ કાર્યરત છે, જે ગંભીર દુર્ઘટના સર્જી શકે છે.

રહેણાંક વિસ્તારોમાં આ કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી ત્યાંના લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભઠ્ઠીઓમાંથી નીકળતા ધુમાડાને કારણે હવાનું પ્રદૂષણ વધ્યું છે. સાથે જ કેમિકલ અને કચરો સીધો ગટરમાં નાખવામાં આવતો હોવાથી ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાની સમસ્યા પણ સર્જાઈ છે. પાણીના સ્ત્રોત પણ દૂષિત થઈ રહ્યા છે.

આ ભઠ્ઠીઓમાં સતત એલપીજી ગેસનો ઉપયોગ થાય છે. આગ સામે રક્ષણ, ઇલેક્ટ્રિક સલામતી, કટોકટીમાં બહાર નીકળવાના માર્ગ, વેન્ટિલેશન જેવી સુવિધાઓ અને પર્યાવરણીય નિયમોનું પાલન થાય છે કે કેમ તે ચકાસવા તંત્ર તરફથી કોઈ પ્રયાસ થતો નથી. ઘણી હેરિટેજ ઇમારતો આ વિસ્તારમાં આવેલી છે, પરંતુ તેમના પર થઈ રહેલી અસર અંગે પણ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.

માણેકચોક ઉપરાંત બહેરામપુરા, દાણીલીમડા, ઈસનપુર અને નારોલ વિસ્તારોમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ત્યાંથી નીકળતા ઝેરી ધૂમાડાને કારણે રાત્રે કાંકરિયા સુધી પ્રદૂષણ છવાઈ જાય છે. રહીશોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આંખોમાં બળતરા થવાની સમસ્યા વ્યાપક બની છે. સ્થાનિક લોકોએ ફરિયાદ કરીને થાકી જવા પામ્યા છે, પરંતુ તંત્ર તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.

સ્થાનિક રહીશોએ જણાવ્યું કે, આ પ્રવૃત્તિઓ ગેરકાયદે ચાલી રહી છે અને નિયમોની અવગણના કરીને કોમર્શિયલ કામકાજ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.