ભારતીય ડાબોડી સ્પિનર માનવ સુથારે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું છે. વોરવિકશાયર તરફથી રમતા સુથારે હેમ્પશાયર સામેની મેચમાં એક ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી છે. કાઉન્ટી ક્રિકેટની ત્રણ મેચની પાંચ ઇનિંગ્સમાં આ ત્રીજી વખત છે જ્યારે તેણે એક ઇનિંગમાં ત્રણ કે તેથી વધુ વિકેટ લીધી છે.
હેમ્પશાયર સામેની આ મેચમાં સુથારે નિક ગુબિન્સ, એડી જેક અને જેમ્સ ફુલરને આઉટ કર્યા હતા. તેની અસરકારક બોલિંગના કારણે હેમ્પશાયરની ટીમ માત્ર 115 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલાં વોરવિકશાયરે પ્રથમ ઇનિંગમાં 398 રન બનાવ્યા હતા, જેના આધારે ટીમે હેમ્પશાયરને ફોલોઓન રમવાનો નિર્ણય આપ્યો હતો.
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ સુથાર કાઉન્ટી ક્રિકેટ રમવા ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો. ત્યારથી તેણે વોરવિકશાયર તરફથી સતત સારો પ્રભાવ પાડ્યો છે. ભારત અને શ્રીલંકામાં સ્પિનને મદદરૂપ પીચો પર દમ બતાવ્યા બાદ હવે ઈંગ્લેન્ડની ધરતી પર પણ તેનું પ્રદર્શન તેની પ્રતિભાને પુરવાર કરે છે. તેના સતત સારા દેખાવથી ભારતીય ટેસ્ટ ટીમમાં તેની દાવેદારી પણ મજબૂત બની રહી છે.