પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે બાળકોની લોકપ્રિય કવિતા ‘જોની-જોની યસ પાપા’ના અંદાજમાં ટકોર કરી છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)નાં સાંસદ સુપ્રિયા સુલેએ આ વીડિયો X (અગાઉનું ટ્વિટર) પર શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે મમતા દીદી હંમેશની જેમ આ વખતે પણ ખૂબ સરસ છે. આમાં થોડી રમૂજ છે, પણ દિલમાંથી નીકળેલો ગંભીર સંદેશ છે — લોકશાહી બચાવો, ભારત બચાવો.
વીડિયોમાં મમતા બેનર્જી ‘જોની-જોની યસ પાપા’ કવિતાની તર્જ પર આ પંક્તિઓ બોલતાં સંભળાય છે:
‘જોની-જોની — યસ પાપા, SIR — નો પાપા, રાજીનામું — યસ પાપા, હટાવો — યસ પાપા, ધરપકડ કરો — યસ પાપા, લોકશાહી બચાવો — યસ પાપા, ભારત બચાવો — યસ પાપા, જ્ઞાનેશ કુમાર — નો પાપા, ભાજપ સરકાર — નો પાપા.’
આ કવિતા દ્વારા તેમણે SIR પ્રક્રિયા, મુખ્ય ચૂંટણી કમિશનર અને ભાજપ સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે SIR પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાંથી નામ કાઢવાની કાર્યવાહી સામે વિપક્ષી પક્ષો લગાતાર આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે ચૂંટણી પંચ તેને નિયમાનુસારની પ્રક્રિયા ગણાવે છે.