ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઋતબ્રત બેનર્જીના જૂથોને અલગ-અલગ નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવ્યા છે. મમતા બેનર્જીના પક્ષને 'મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ' નામ આપવામાં આવ્યું છે, જ્યારે ઋતબ્રત બેનર્જીના જૂથને 'ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ' નામ મળ્યું છે.
ચૂંટણી પંચે જણાવ્યું કે મમતા બેનર્જીના પક્ષનું ચૂંટણી ચિહ્ન 'ફૂટબોલ પ્લેયર' હશે, જ્યારે ઋતબ્રત બેનર્જીના પક્ષનું ચૂંટણી ચિહ્ન 'એનવેલપ' હશે. આ આદેશ વચગાળાનો છે.
બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં ભાગલા પડ્યા હતા. બંને જૂથોએ પાર્ટી પર દાવો કરતાં મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો. પંચે TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કરી દીધા હતા. હવે પંચે બંને જૂથોને નવા નામ અને ચિહ્ન આપ્યા છે.
ઋતબ્રત બેનર્જી અને મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની પેટાચૂંટણી પહેલાં ચૂંટણી પંચને ત્રણ-ત્રણ નામ અને ચૂંટણી ચિહ્નના વિકલ્પો આપ્યા હતા. ત્યારબાદ પંચે અંતિમ નિર્ણય લીધો. ઋતબ્રત બેનર્જીએ કહ્યું હતું કે, 'ચૂંટણી પંચ જે નિર્ણય લેશે, એ જ અંતિમ હશે.'
ચૂંટણી પંચે તેના વચગાળાના આદેશમાં 'ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ'ને લઈને ચાલી રહેલા વિવાદમાં સામેલ બંને પક્ષોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ આગામી બંગાળ પેટાચૂંટણી માટે પાર્ટીના નામ અને તેના 'બે ફૂલ અને ઘાસ'વાળા ચૂંટણી ચિહ્નનો ઉપયોગ ન કરે.
પંચે બંને પક્ષોને શુક્રવારની સવાર સુધી પોતાની પસંદગીના નામ અને ચૂંટણી ચિહ્ન જણાવવા કહ્યું હતું. પંચે કહ્યું કે પ્રસ્તાવિત નામ 'ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ' સાથે મળતું આવતું હોઈ શકે છે. ચૂંટણી ચિહ્ન અપક્ષ ઉમેદવારો અને નોંધાયેલા પરંતુ માન્યતા ન ધરાવતા રાજકીય પક્ષો માટે સૂચિત ખાલી અથવા ઉપલબ્ધ ચૂંટણી ચિહ્નોની યાદીમાંથી પસંદ કરવાનું હતું.
નોંધનિય છે કે, રેજીનગર અને નંદીગ્રામમાં પેટાચૂંટણી 6 ઓક્ટોબરે યોજાવાની છે.