પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર મંગળવારે સાંજે કોલકાતામાં તેમના નિવાસસ્થાન નજીક એક મહિલાએ છરી સાથે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના સાંજે લગભગ છ વાગ્યાની છે, જ્યારે તેઓ કાલીઘાટ સ્થિત પોતાના ઘર નજીક દુર્ગા પંડાલનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યાં હતાં.
આ ઘટનામાં મમતા બેનર્જીને કોઈ ઈજા થઈ નથી. ઘટના બાદ તેમણે પૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું અને ત્યારબાદ નિવાસસ્થાને પરત ફર્યાં.
ટીએમસીનાં પૂર્વ રાજ્યસભા સાંસદ ડોલા સેને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી મહિલાનું નામ તનિષ્ઠા સાહા છે. ડોલા સેને આરોપ લગાવ્યો કે મહિલા નશાની હાલતમાં ગાળો આપી રહી હતી અને છરી લઈને મમતા તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહી હતી. પોલીસે તેને કસ્ટડીમાં લીધી છે.
ઘટના બાદ ઘટનાસ્થળે હાજર લોકોએ આરોપી મહિલાને પકડી લીધી હતી. ભીડથી ઘેરાયેલી આરોપી મહિલા સતત બંગાળીમાં કંઈક કહેતી રહી હતી.
ડોલા સેને કહ્યું કે મહિલાએ પોતાને મમતા બેનર્જીની ભત્રીજી ગણાવી અને તેમની પાસે પહોંચવાનો પ્રયાસ કરતાં રસ્તા પર સૂઈ જઈને હંગામો કર્યો. તેમણે કહ્યું કે મમતા બેનર્જીને Z+ શ્રેણીની સુરક્ષા મળેલી છે. આવી સ્થિતિમાં તેમના નિવાસસ્થાન નજીક કોઈ વ્યક્તિ હથિયાર લઈને પહોંચે તે ચિંતાનો વિષય છે. તેમણે ઘટનાના પાછળ કાવતરાની આશંકા પણ વ્યક્ત કરી.
મમતા બેનર્જી કોલકાતાના કાલીઘાટ મિલન સંઘના દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા.
પોલીસે પીટીઆઈને જણાવ્યું કે મહિલાને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાના વીડિયો ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે હાજર લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે.
મમતા બેનર્જી પર અત્યાર સુધીમાં પાંચ હુમલાના બનાવો બન્યા છે:
9 ઓગસ્ટ 2026 – હાલિશહરમાં કાફલા પર હુમલો: બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ હાલિશહરમાં મમતા બેનર્જીના કાફલાને પ્રદર્શનકારીઓએ ઘેરી લીધો હતો. અહેવાલો અનુસાર, વાહનો પર કાદવ લગાવવામાં આવ્યો અને જૂતાં-ચપ્પલ તેમજ પાણીની બોટલો ફેંકવામાં આવી.
10 માર્ચ 2021 – નંદીગ્રામમાં પગમાં ઈજા: વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે કેટલાક લોકોએ તેમને ધક્કો માર્યો અને તેમની કારના દરવાજા પર હુમલો કર્યો. તેમના પગમાં ઈજા થઈ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જોકે, ચૂંટણી પંચને મોકલવામાં આવેલા પોલીસના પ્રારંભિક અહેવાલમાં આ ઘટનાને હુમલો નહીં, પરંતુ અકસ્માત ગણાવવામાં આવ્યો હતો.
9 ઓગસ્ટ 2010 – કાફલાની કારને ટ્રકે ટક્કર: રેલવે મંત્રી હતા ત્યારે લાલગઢની રેલીમાંથી પરત ફરતી વખતે મમતા બેનર્જીના કાફલાની એક કારને ટ્રકે ટક્કર મારી હતી. મમતાએ તેને પોતાનો જીવ લેવાનો પ્રયાસ ગણાવ્યો હતો. જોકે, આ આરોપની સ્વતંત્ર પુષ્ટિ સ્પષ્ટપણે થઈ નહોતી.
10 જાન્યુઆરી 2001 – કાફલા પર દેશી બોમ્બથી હુમલો: પશ્ચિમ મેદિનીપુરના છોટા આંગરિયા જતા સમયે મમતા બેનર્જીના કાફલા પર દેશી બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો આવ્યા હતા. તે સમયે મમતા રાજ્યમાં વિપક્ષના મુખ્ય નેતાઓમાં સામેલ હતાં.
16 ઓગસ્ટ 1990 – માથા પર લાઠીથી હુમલો: કોલકાતાના હજરા વિસ્તારમાં મમતા બેનર્જી પર હુમલો થયો હતો. ત્યારે તેઓ કોંગ્રેસમાં હતાં. અહેવાલો મુજબ, DYFI નેતા લાલુ આલમે તેમના માથા પર લાઠીથી હુમલો કર્યો હતો, જેના કારણે તેમની ખોપરીમાં ફ્રેક્ચર થયું હતું. મમતા લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યાં હતાં.