પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનરજી પર કોલકાતાના કાલીઘાટ વિસ્તારમાં હુમલાનો પ્રયાસ થયો હોવાનો દાવો TMCએ કર્યો છે. દુર્ગા પૂજા પંડાલના ઉદ્ઘાટન દરમિયાન એક યુવતીએ તેમની સાડી ખેંચી હતી અને સુરક્ષાકર્મીઓએ તેની અટકાયત કરતાં તેની પાસેથી ચાકુ મળી આવ્યું હતું.
TMCના જણાવ્યા અનુસાર, મમતા બેનરજી કાલીઘાટમાં પૂજા પંડાલ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક એક અજાણી યુવતી તેમની નજીક પહોંચી ગઈ હતી. આરોપ છે કે તેણે મમતા બેનરજીની સાડી ખેંચી લીધી હતી. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક યુવતીને પકડી લીધી અને તેની તલાશી લેતાં ચાકુ મળી આવ્યું હતું. આ ઘટનાથી સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટના બાદ પૂર્વ મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક TMC નેતૃત્વએ સુરક્ષામાં થયેલી ક્ષતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદથી TMC નેતાઓને જનતાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, અને હવે આ વિરોધ સીધો પક્ષના સુપ્રીમો સુધી પહોંચતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકાતા ખાતે આવેલા 'કાલીઘાટ મિલન સંઘ'ના દુર્ગા પૂજા પંડાલના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. તેઓ આ કાર્યક્રમમાં પહોંચ્યા તે દરમિયાન જ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
આ અગાઉ દક્ષિણ 24 પરગણામાં 4 મેના રોજ પરિણામો જાહેર થયા બાદ સોનારપુરમાં અભિષેક બેનરજી પર લોકોએ ઈંડા, જૂતા અને પથ્થરો ફેંક્યા હતા. તે દરમિયાન ટોળાએ તેમની સામે 'ચોર ચોર'ના નારા લગાવ્યા હતા અને ઝપાઝપી પણ થઈ હતી. ત્યારબાદ મમતા બેનરજીના ઘરની બહાર મીડિયા સાથે વાત કરી રહેલા નેતા કુણાલ ઘોષના માથા પર પણ એક યુવકે ઈંડું ફેંક્યું હતું.
સપ્ટેમ્બર 2026માં હુગલીના ઉત્તરપાડા ખાતે મમતા બેનરજીની એક રેલીમાં જઈ રહેલા કુણાલ ઘોષની કારને લોકોના ટોળાએ ઘેરી લીધી હતી. આ દરમિયાન કાર પર ઈંડા અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, જેમાં ગાડીનો કાચ પણ તૂટી ગયો હતો. બંગાળમાં ચૂંટણી બાદથી TMC નેતાઓ સામે વિરોધ પ્રદર્શનો અને હુમલાઓનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે.