સત્ય. સાહસ. સંકલ્પ.

માળિયા-મિયાણામાં એક જ બ્લોકમાં 3 નવા રેલવે પુલ તૈયાર, ચોમાસામાં કચ્છ-સૌરાષ્ટ્રની ટ્રેન સેવા સુરક્ષિત બનશે

માળિયા-મિયાણામાં એક જ બ્લોકમાં 3 નવા રેલવે પુલ તૈયાર, ચોમાસામાં કચ્છ-સૌરાષ્ટ્રની ટ્રેન સેવા સુરક્ષિત બનશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મોરબી જિલ્લાના માળિયા મિયાણામાં ચોમાસા દરમિયાન ટ્રેન વ્યવહાર ખોરવાય નહીં તે માટે મોટા પાયે માળખાકીય સુધારણાનું કામ પૂરું કર્યું છે.

માળિયા મિયાણા-વાધરવા સેક્શનમાં રેલવેએ એક જ બ્લોક દરમિયાન ત્રણ ક્રેનની મદદથી ત્રણ નવા રેલવે પુલ બનાવ્યા છે. દરેક ક્રેનની ક્ષમતા 500 ટનની હતી, એટલે ત્રણેની કુલ ક્ષમતા 1500 ટન થાય છે. આ પુલ વિરમગામ-સામખિયાળી મુખ્ય રેલખંડ પર કિલોમીટર 699/16 થી 699/24 વચ્ચે, પુલ નંબર 147/D, 147/E અને 147/F પર બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત લેવલ ક્રોસિંગ નંબર 95 અને 97 પાસે એક-એક ડ્રેનેજ સ્ટ્રક્ચર બનાવાતા આ સેક્શનમાં કુલ પાંચ નવી ડ્રેનેજ ઓપનિંગ તૈયાર થઈ છે. તેનાથી પૂરનું પાણી પાટા ઉપરથી વહેવાને બદલે નીચેથી સહેલાઈથી નીકળી જશે, જેથી પાટા નીચેની માટી ધોવાતી અટકશે.

પૂરથી બચાવ માટે રેલવેએ લગભગ સાત કિલોમીટર લાંબા સંવેદનશીલ રેલખંડને સુરક્ષિત કરવાનું કામ પણ કર્યું છે. પાટાની પાળ (તટબંધ) નું ધોવાણ રોકવા 3.7 કિલોમીટર લાંબી સુરક્ષા દીવાલ બનાવવામાં આવી છે. વધુમાં વાધરવા-માળિયા મિયાણા સેક્શનમાં 5, માળિયા મિયાણા-દહીંસરા સેક્શનમાં 5 અને માળિયા મિયાણા-સુરબારી સેક્શનમાં 1 મળી કુલ 12 નવા પાણી નિકાસી માળખા તૈયાર કરાયા છે.

માળિયા મિયાણા યાર્ડના અમદાવાદ તરફના છેડે પુલ નંબર 155 પર અગાઉ 600 મિમી વ્યાસના ત્રણ પાઈપ હતા, જે પૂરના પાણીના નિકાલ માટે પૂરતા નહોતા. ત્યાં અપ લાઈન, ગુડ્સ લાઈન અને ટ્રેક મશીન સાઈડિંગ નીચે જૂના પાઈપ પુલની જગ્યાએ નવો બોક્સ બ્રિજ બનાવાયો છે.

માળિયા-મિયાણા વિસ્તાર પૂર પ્રત્યે અત્યંત સંવેદનશીલ ગણાય છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે અને મચ્છુ-2 તથા મચ્છુ-3 ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે અહીં પાણી ભરાય છે. વર્ષ 1979, 2017 અને ઓગસ્ટ 2024ના પૂરમાં સામખિયાળી-માળિયા મિયાણા, ધ્રાંગધ્રા અને વાંકાનેર રેલખંડ પર પાટા નીચેની માટી ધોવાઈ જતાં ટ્રેન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. આ મુખ્ય માર્ગ કંડલા અને મુન્દ્રા બંદરોને દેશના બાકીના ભાગો સાથે જોડે છે, તેથી માલપરિવહન પર પણ મોટી અસર થતી હતી. હવે નવા માળખાથી આ માર્ગ વધુ સુરક્ષિત બનશે.

ચોમાસાની કટોકટી માટે ક્વોરી ડસ્ટ, બોલ્ડર અને બેલાસ્ટનો ખાસ અનામત જથ્થો પણ તૈયાર રાખવામાં આવ્યો છે.

અમદાવાદ મંડળના રેલ પ્રબંધક (DRM) એ જણાવ્યું કે આ કામનો હેતુ માત્ર પૂરથી થયેલા નુકસાનનું સમારકામ કરવાનો નથી. ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને એવું મજબૂત રેલ માળખું ઊભું કરવાનો પણ ઉદ્દેશ છે, જેથી પ્રતિકૂળ હવામાનમાં પણ મુસાફરો અને માલપરિવહન સુરક્ષિત અને વિશ્વસનીય રહે.