ગુજરાતી સિનેમાના લોકપ્રિય કલાકારો મલ્હાર ઠાકર અને પૂજા જોશીના પરિવારમાં નવરાત્રિના પ્રથમ દિવસે બે વાછરડાંનો ઉમેરો થયો છે. બંને કલાકારોએ સોશિયલ મીડિયા પર આ ખુશીના ફોટા શેર કરીને ચાહકો સાથે પોતાની લાગણી વહેંચી છે.
મલ્હાર અને પૂજાએ ઇન્સ્ટાગ્રામ પર વાછરડાં સાથેના ફોટા મૂક્યા છે, જેમાં તેઓ વાછરડાંને હેત કરતા અને ગૌ-પૂજન કરતા જોવા મળે છે. પૂજાએ સીફોમ રંગની સાડી પહેરી હતી, જ્યારે મલ્હારે પણ એ જ રંગનો કુર્તો પહેર્યો હતો. બંનેએ વાછરડાંને 'અંબા' અને 'નટરાજ' નામ આપ્યાં છે.
પૂજાએ ફોટાના કેપ્શનમાં લખ્યું, 'મા અંબાના આશીર્વાદથી અમારા ઘરમાં વાછરડાંના સાદ સંભળાઈ રહ્યા છે. પહેલું નોરતું અને અમારો પરિવાર થોડો વધુ દિવ્ય બની ગયો છે... અને થોડો નટખટ પણ. અમારા 'અંબા' અને 'નટરાજ'ને હાઇ કહો.'
આ પોસ્ટ પર ચાહકો અને ગુજરાતી સિનેમાના અન્ય કલાકારોએ પ્રેમ વરસાવ્યો છે અને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ મલ્હાર અને પૂજાની ફિલ્મ 'ચટણી' રિલીઝ થઈ હતી, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ પરિવારની ખાટી-મીઠી અને તીખી લાગણીઓ દર્શાવે છે.