સત્ય. સાહસ. સંકલ્પ.

મલ્હાર અને પૂજાની 'ચટણી': પિતા સાથે કરિયર પર બોલાચાલી, 'બેટુ' નામનો ખુલાસો

મલ્હાર અને પૂજાની 'ચટણી': પિતા સાથે કરિયર પર બોલાચાલી, 'બેટુ' નામનો ખુલાસો

ગુજરાતી થાળી ચટણી વિના અધૂરી ગણાય છે. ગુજરાતી સિનેમાના પ્રિય જોડી મલ્હાર ઠાકર અને પૂજા જોશી 'ચટણી' ફિલ્મ દ્વારા આ ખાટા-મીઠા-તીખા સ્વાદને મોટા પડદા પર લાવ્યા છે. આ ફિલ્મ પરિવારની સવા સો વર્ષ જૂની પરંપરા, ગામડાના સ્વાદને શહેર સુધી પહોંચાડવાની યુવાનની મથામણ અને વચ્ચે પાંગરતા પ્રેમની વાર્તા છે. આ અંગે બંને કલાકારોએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી.

'ચટણી' ફિલ્મથી પ્રોડ્યુસર તરીકે શરૂઆત કરવા વિશે મલ્હારે કહ્યું, "મને આ ફિલ્મની વાર્તા ખૂબ ગમી. આ મૂળિયા સાથે જોડાયેલી વાત છે. ગામ અને શહેરને જોડતી કડી છે. તેથી લાગ્યું કે આ પ્રોજેક્ટમાં કો-પ્રોડ્યુસર થવું જોઈએ. ગુજરાતી પરિવારોમાં ચાલતી વાર્તાઓની વાત છે, તેથી જોડાવું જોઈએ."

ફિલ્મનું નામ 'ચટણી' કેવી રીતે પડ્યું? પૂજાએ કહ્યું, "આ હર્ષ શોધન અને સંદીપની વાર્તા છે. લેખકોને લખતી વખતે આ નામ સૂઝ્યું. ફિલ્મમાં ચટણી જ મુખ્ય પાત્ર છે. ચટણીમાં ખાટા, મીઠા, તીખા જેવા કેટલાય ફ્લેવર હોય છે. એ બધા ફ્લેવર્સ દર્શકોને ફિલ્મમાં જોવા મળશે."

ફિલ્મમાં મલ્હાર ઠાકર, પૂજા જોશી, પ્રશાંત બારોટ અને હેતલ મોદી મુખ્ય ભૂમિકામાં છે. લીડ એક્ટર અને કો-પ્રોડ્યુસર બંને ભૂમિકા વિશે મલ્હારે કહ્યું, "બંનેમાં મજા આવી. કેમેરાની પાછળની દુનિયા અલગ છે. કેમેરા સામે હોવ અને તે જ સમયે પાછળ જવાબદારી નિભાવવી અઘરી છે, પણ અમે ખૂબ મજા કરી છે." પૂજાએ ઉમેર્યું, "કેમેરા સામે કામ કરવાની મજા તો અમારો પહેલો પ્રેમ છે. આ વખતે પાછળ કામ કરવાનો પહેલીવાર અનુભવ હતો. બહુ મજા આવી અને ઘણું શીખવા મળ્યું."

ફિલ્મમાં ગામડામાં રહેતા પિતા દીકરાને શહેરમાં રહેવા જવાથી રોકે છે. આવું રિયલ લાઇફમાં પિતા સાથે કરિયરને લઈને ક્યારેય બન્યું છે? મલ્હારે તરત હા પાડી. તેમણે કહ્યું, "પપ્પા સાથે કરિયરને લઈને ઘણીવાર બોલાચાલી થાય છે. મારું આખું પરિવાર જોબ ઓરિએન્ટેડ છે. મેં ક્યારેય નોકરી કરી નથી. જોબ કલ્ચર સાથે હું ઓકે છું, પણ ઘણી વખત એમણે કહ્યું છે કે આમ નહીં કરે તો સર્વાઇવ નહીં કરી શકે. આ બાબતે મતભેદો થાય છે. કેટલીક પસંદગીના લીધે હું કેટલીક બાબતોનો ઓવરલોડ લઈ લઉં, ત્યારે આવું થાય. નાના-મોટા મતભેદો ચાલ્યા કરે."

18 સપ્ટેમ્બર 2026ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મનું દિગ્દર્શન સંદીપ પટેલે કર્યું છે. ફિલ્મ માટે ચટણી બનાવતા શીખ્યા? એવું પૂછતાં બંનેએ હા પાડી. પૂજાએ કહ્યું, "જ્યારે મેં ચટણી ચાખી, તો ખૂબ સ્વાદિષ્ટ હતી." શૂટિંગ વિશે મલ્હારે કહ્યું, "ફિલ્મનું શૂટિંગ 30 દિવસ ચાલ્યું, જેમાં ગાંધીનગરના વહેવાલ ગામ, અમદાવાદની પોળ અને સાદરા ફોર્ટમાં શૂટિંગ કરવામાં આવ્યું."

ફિલ્મમાં પૂજા જ્યારે મલ્હારને "ઓ હેલો..." કહે છે, તે ખૂબ ગમે છે. રિયલ લાઇફમાં એવો કયો શબ્દ છે જે બંનેને ગમે છે? મલ્હારે કહ્યું, "પૂજા મને 'બેટુ' કહીને બૂમ પાડે છે, એ ખૂબ ગમે છે." પૂજાએ ઉમેર્યું, "અમે બંને એકબીજાને 'બેટુ' કહીએ છીએ. જ્યારે નામથી બોલાવીએ ત્યારે લાગે કે કંઈક ગડબડ છે."

પૂજા અને મલ્હારે 'ચટણી' ફિલ્મથી પ્રોડ્યુસર તરીકે નવી શરૂઆત કરી છે. ફિલ્મમાં સવા સો વર્ષ જૂની પરંપરા અને દર રવિવારે દાળ ઢોકળીની જ્યાફત જેવી બાબતો પણ બતાવવામાં આવી છે.