સત્ય. સાહસ. સંકલ્પ.

પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સર: અમદાવાદ સિવિલમાં 6 વર્ષમાં 104 કેસ, દારૂ અને મેદસ્વિતા મુખ્ય કારણ

પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સર: અમદાવાદ સિવિલમાં 6 વર્ષમાં 104 કેસ, દારૂ અને મેદસ્વિતા મુખ્ય કારણ

અમદાવાદ: સામાન્ય રીતે મહિલાઓમાં જોવા મળતું બ્રેસ્ટ કેન્સર હવે પુરુષોમાં પણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના 45 વર્ષીય એક વેપારીને છાતીમાં ગાંઠ થતાં તપાસમાં બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું. અમદાવાદની સિવિલ મેડિસિટી ખાતે આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં છેલ્લા 6 વર્ષમાં પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરના 104 કેસ નોંધાયા છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર થવા પાછળ અતિશય દારૂનું સેવન મુખ્ય કારણ છે. આલ્કોહોલને કારણે લિવર નબળું પડે છે, જેથી શરીરમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધી જાય છે. આ ઉપરાંત સ્થૂળતા, આનુવંશિક કારણો અને વધતી ઉંમરથી પણ જોખમ રહે છે. તબીબોના મતે પુરુષોમાં સ્તનના કોષો ઓછા પ્રમાણમાં હોવાથી કેન્સર શરીરના અન્ય ભાગમાં ઝડપથી ફેલાવવાની શક્યતા રહે છે.

પીડારહિત સખત ગાંઠ, ત્વચામાં ફેરફાર, રૂઝ નહીં આવતી ચાંદી જેવા લક્ષણોને અવગણવા જોખમી પુરવાર થઈ શકે છે. છાતીના ભાગમાં કોઈપણ અસામાન્ય ફેરફાર જણાય તો તાત્કાલિક કેન્સર નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.

ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેસ્ટ કેન્સરના 6 વર્ષમાં કુલ 7920 કેસ નોંધાયા છે. જેમાં 53.18 ટકા કેસ 50થી વધુ ઉંમરના અને 30.52 ટકા કેસ 40થી 50 વર્ષની વયજૂથના લોકોમાં હોય છે.