સત્ય. સાહસ. સંકલ્પ.

મકરબા ઓવરબ્રિજ લોકાર્પણના બીજા દિવસે જ ટ્રાફિકજામ, કોર્પોરેટ રોડ બંધ કરવાની ફરજ

મકરબા ઓવરબ્રિજ લોકાર્પણના બીજા દિવસે જ ટ્રાફિકજામ, કોર્પોરેટ રોડ બંધ કરવાની ફરજ

અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર એસજી હાઇવે અને જુહાપુરાને જોડતા નવનિર્મિત મકરબા ઓવરબ્રિજના લોકાર્પણના બીજા જ દિવસે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. બ્રિજની ડિઝાઇનમાં ખામી હોવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગે TV9 દ્વારા છ મહિના પહેલાં અને 14 નવેમ્બર 2025ના રોજ અહેવાલ પ્રસારિત કરીને ચેતવણી આપવામાં આવી હતી, તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને એન્જિનિયરો દ્વારા કોઈ સુધારો કરવામાં આવ્યો નથી.

મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ થયા બાદ લોકોની સુવિધા વધવાને બદલે મુશ્કેલીઓ બમણી થઈ ગઈ છે. બ્રિજના છેડા પર સીધા ચાર રસ્તા આવી જતા અને ડિઝાઇનમાં ગંભીર ખામી હોવાને લીધે સર્જાયેલા ભારે ટ્રાફિકજામને પહોંચી વળવા માટે મનપાને લોકાર્પણના બીજા જ દિવસે કોર્પોરેટ રોડનો મુખ્ય માર્ગ બંધ કરી ડાયવર્ઝન આપવાની ફરજ પડી છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે આ બ્રિજની ડિઝાઇન મંજૂર કરવામાં આવી હતી ત્યારે જ TV9 દ્વારા ડિઝાઇનમાં રહેલી ગંભીર ટેકનિકલ ત્રુટિઓ અંગે અહેવાલ પ્રસારિત કરીને ચેતવણી આપવામાં આવી હતી. એટલું જ નહીં, આશરે 6 મહિના અગાઉ જ્યારે બ્રિજનું નિર્માણ ચાલુ હતું ત્યારે પણ TV9 એ 14 નવેમ્બર 2025 ના રોજ ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કરી બતાવ્યું હતું કે બ્રિજ નીચેનો ટ્રાફિક બોટલનેક બનશો. રેલવે ફાટક પાસેથી પસાર થતા ભાગની ડિઝાઇન કામ પૂરું કરવા ખાતર બદલાઈ હતી, પરંતુ વાહનવ્યવહારની સુવિધા માટે કોઈ સુધારો ન કરાયો. આટલા ખુલાસા છતાં બ્રિજ બનાવનાર એજન્સી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોની ઊંઘ ઊડી નહોતી.

બ્રિજ ઉતરતાની સાથે જ સિગ્નલ ન હોવાથી અકસ્માત અને જામ ટાળવા માટે ‘કેપ્સ્યુલ ડિઝાઇન’ અને બ્રિજ નીચે થઈને રેલવે ફાટક પાસે યુ-ટર્ન આપવામાં આવ્યો છે. પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ અચાનક બંધ કરી દેવાતા સ્થાનિક નાગરિકો અને ઓફિસ જતા વાહનચાલકોએ હવે 500 મીટર ફરીને જવું પડી રહ્યું છે.

પરિસ્થિતિ થાળે પાડવા માટે ટ્રાફિક પોલીસને સ્થળ પર 8 થી વધુ જવાનો તહેનાત કરવા પડ્યા છે. એન્જિનિયરો અને મનપા તંત્રની આ અણઘડ નીતિ અને ઘોર બેદરકારીનો ભોગ હવે દરરોજ હજારો નિર્દોષ વાહનચાલકો બની રહ્યા છે.