અમદાવાદમાં મકરબા ખાતે અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ 24મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું. સરખેજ-જુહાપુરા અને SG હાઇવેને જોડતો આ બ્રિજ વાહનચાલકો માટે સગવડરૂપ થવાને બદલે પહેલા જ દિવસે ભારે ટ્રાફિક જામનું કારણ બન્યો છે.
લોકાર્પણની સાંજે જ ભારે ચક્કાજામ સર્જાયું હતું. શુક્રવારે (25મી સપ્ટેમ્બર) તંત્ર દ્વારા લેવાયેલા પગલાંથી સ્થિતિ વધુ બગડી છે. બ્રિજ નીચે સર્જાતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાને બદલે તંત્રએ મકરબા ઓવરબ્રિજ પાસેના ચાર રસ્તા પર બેરિકેડ મૂકીને રસ્તા બંધ કરી દીધા છે.
નવા ડાયવર્ઝન મુજબ, કોર્પોરેટ રોડથી પ્રહલાદનગર જવા માટે વાહનચાલકોએ ડાબી બાજુ વળીને આગળથી યુ-ટર્ન લેવો પડે છે. તે જ રીતે પ્રહલાદનગરથી કોર્પોરેટ રોડ તરફ આવવા માટે પણ બ્રિજ નીચેથી લાંબો ચકરાવો મારીને યુ-ટર્ન લીધા પછી જ પહોંચી શકાય છે. આ વ્યવસ્થાથી વાહનચાલકોમાં ભારે રોષ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવેલા આ બ્રિજની ડિઝાઇન અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. કોર્પોરેશન તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જાણકારોના મતે, જો શરૂઆતથી જ ટ્રાફિકની અવરજવરનો અભ્યાસ કરીને યોગ્ય ડિઝાઇન બનાવવામાં આવી હોત તો આ સ્થિતિ ઊભી ન થાત.
ગુરુવારે સાંજે સર્જાયેલા ચક્કાજામ બાદ સ્થાનિક લોકોએ વેજલપુરના ધારાસભ્યને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તાત્કાલિક અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને મકરબા ઓવરબ્રિજ પાસે તાત્કાલિક ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક પોલીસ પોઇન્ટ મૂકવાની માંગ કરી છે.
ચાર રસ્તા બંધ કરાતાં વાહનચાલકો અને સ્થાનિકોનો ગુસ્સો વધ્યો હતો. પરિસ્થિતિ ન બગડે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાર રસ્તા પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ટ્રાફિક જેસીપીએ જણાવ્યું કે, 'ગઈકાલે બ્રિજના ઉદ્ઘાટન પછી ટ્રાફિક અને અકસ્માતનો જે પ્રશ્ન ઊભો થયો તે માટે અમે તાત્કાલિક પોલીસ મોકલીને ટ્રાફિક મેનેજ કરાવ્યો હતો. આજે અમે AMCના અધિકારીઓ અને ધારાસભ્ય સાથે મળીને સંપૂર્ણ વિસ્તારની પગપાળા ચાલીને તપાસ કરી હતી. બ્રિજ જ્યાં ચાર રસ્તા પર ખુલે છે ત્યાં અકસ્માત ન થાય તે માટે અમે તે રોડ બંધ કરીને હંગામી ધોરણે કેપ્સ્યુલ સિસ્ટમ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.'
બ્રિજના નિર્માણ અંગે તેમણે કહ્યું કે, 'બ્રિજનું નિર્માણ ચાલતું હોય ત્યારે ભવિષ્યમાં કયા પ્રશ્નો ઊભા થશે તેનો અગાઉથી અંદાજ આવી શકતો નથી. પરંતુ ઉદ્ઘાટન પછી સમસ્યા ધ્યાને આવતાં જ અમે બીજા જ દિવસે AMC સાથે સંકલન સાધીને તેનું નિરાકરણ કર્યું છે. બ્રિજની ડિઝાઇન કે કોર્પોરેશનના કામકાજ અંગેના પ્રશ્નો AMC વિભાગને પૂછી શકાય છે. હું પાંચમા મહિને જ આ ટ્રાફિક વિભાગમાં આવ્યો છું, જ્યારે આ બ્રિજ બે વર્ષથી બની રહ્યો હતો. આ બાબતે મારો કોઈ અલગ અંગત અભિપ્રાય નથી. અમારો મુખ્ય આશય પ્રજાને મળતી સુવિધા છે.'