અમદાવાદના મકરબાથી કોર્પોરેટ રોડને જોડતા ઓવરબ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા હજુ યથાવત છે. ટ્રાફિક સિગ્નલ લગાવવાનું કામ પૂરું ન થવાથી વાહનચાલકોને ભારે હેરાનગતિ થઈ રહી છે.
આ બ્રિજ ખુલ્લો મુકાયો ત્યારથી વિવાદમાં છે. બ્રિજ કોર્પોરેટ રોડ પર પૂરો થતો હોવાથી ત્યાં ભારે ભીડ થાય છે. આ સમસ્યા વચ્ચે તંત્રે ચાર રસ્તે કેપ્સ્યુલ સિસ્ટમનો પ્રયોગ કર્યો, જેને લઈને લોકોમાં રોષ છે. ત્યારબાદ ચાર રસ્તે સિગ્નલ લગાવવાની કામગીરી શરૂ થઈ હતી, પરંતુ તે હજુ સુધી પૂર્ણ થઈ નથી.
કામમાં વિલંબ અંગે પૂછવામાં આવતા કોર્પોરેશને જણાવ્યું કે કામ હાઈટેનશન લાઈનને કારણે અટક્યું નથી. તેમના મતે ઉપરથી પસાર થતી ઓવરહેડ લાઈનની ઊંચાઈ અને અંતર માટે NOC બોન્ડની પ્રક્રિયાને કારણે કામ રોકાયું હતું. કોર્પોરેશને કહ્યું કે સિગ્નલ માટેના થાંભલા ઊભા કરી દેવાયા છે. પોલીસ તરફથી એક વખત લેખિત અભિપ્રાય મળ્યો છે, જ્યારે મૌખિક રજૂઆત એન્જિનિયરો રૂટ પર જાય ત્યારે થાય છે.
કોર્પોરેશનના જણાવ્યા મુજબ રજૂઆત મળતા જ તાત્કાલિક કામ શરૂ કરી દેવાયું હતું. NOC ગઈકાલે ટોરેન્ટ ખાતે સબમિટ કરાવી દેવાઈ છે. તેથી તંત્રનો દાવો છે કે 3થી 4 દિવસમાં સિગ્નલ ચાલુ કરી દેવામાં આવશે.