અમદાવાદના મકરબા વિસ્તારમાં કોર્પોરેટ રોડ પર એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે. કોર્પોરેશન દ્વારા ડિવાઇડરનો ખુલ્લો રહેલો ભાગ બંધ ન કરાતા વાહનચાલકો ત્યાંથી ગેરકાયદે યુ-ટર્ન લઈ રહ્યા છે. આ યુ-ટર્ન લેવાથી તેમને 200 મીટરનો ફેરો ટાળવાનો લાભ મળે છે, પરંતુ તેઓ પોતાના અને અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
મકરબાથી કોર્પોરેટ રોડને જોડતો નવો ઓવરબ્રિજ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યો છે. પહેલાં બ્રિજ કોર્પોરેટ રોડના ચાર રસ્તે જ પૂરો થતો હોવાથી ત્યાં અકસ્માતો અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી. પછીથી ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશને કેપ્સુલ સિસ્ટમ લાગુ કરીને આ ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો. પરંતુ હવે નવી સમસ્યા સામે આવી છે.
નવી વ્યવસ્થા મુજબ, કોર્પોરેટ રોડ પરથી પ્રહલાદનગર જવા માટે વાહનચાલકોએ એસ.જી. હાઇવે તરફ વળીને 200 મીટર આગળ જઈને યુ-ટર્ન લેવો પડે છે. પરંતુ આ લાંબો રસ્તો ટાળવા માટે ઘણા દ્વિચક્રી વાહનચાલકો ડિવાઇડરના ખુલ્લા ભાગમાંથી જ ખોટો યુ-ટર્ન લઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોર્પોરેશને થોડા સમય પહેલાં રોડ પર ડિવાઇડર તોડીને ખોદકામ કર્યું હતું, પરંતુ કામ પૂરું થયા બાદ તે કટ પૂરવાની તસ્દી લીધી નહીં. આ બેદરકારીનો લાભ લઈને વાહનચાલકો હવે ત્યાંથી ગેરકાયદેસર રીતે પસાર થઈ રહ્યા છે.
'ગુજરાત સમાચાર ડિજિટલ'ની ટીમે આ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમાં જોવા મળ્યું કે અનેક દ્વિચક્રી વાહનો અને મોપેડ ચાલકો ખુલ્લા ડિવાઇડરમાંથી સીધા પ્રહલાદનગર રોડ તરફ વાળી રહ્યા છે. બીજી તરફ, હાઇવે તરફથી મકરબા બ્રિજ અને પ્રહલાદનગર તરફ ઝડપી વાહનો આવી રહ્યા હોય છે, જેના કારણે ગંભીર અકસ્માતની શક્યતા રહે છે.
માત્ર 200 મીટરનો ફેરો બચાવવા માટે લોકો પોતાના અને અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે કોઈ દુર્ઘટના બને તે પહેલાં કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ આ ગેરકાયદે કટ બંધ કરાવે તે જરૂરી છે.