ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં જાહેર માર્ગ પર રાત્રે એક્ટિવા પર ચાર સવારીમાં જોખમી સ્ટંટ કરવાના બનાવમાં મહુવા ટાઉન પોલીસે ત્રણ ઇસમો સામે કાર્યવાહી કરી છે. પોલીસે આ ઇસમોની ધરપકડ કરી છે અને સ્ટંટમાં વપરાયેલું એક્ટિવા વાહન પણ કબજે લીધું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ યુવકો રાત્રિના સમયે એક જ એક્ટિવા પર ચાર જણા બેસીને ભોરપાટ ઝડપે વાહન ચલાવતા હતા અને જોખમી સ્ટંટ કરતા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં યુવકો બેફામ રીતે સ્ટંટ કરતા સ્પષ્ટ જોવા મળ્યા હતા.
આ બેજવાબદાર કૃત્યને કારણે સ્થાનિક લોકોમાં ભય અને ચિંતા ફેલાઈ હતી, કારણ કે જાહેર માર્ગ પર આવી રીતે વાહન ચલાવવાથી રાહદારીઓ અને અન્ય વાહનચાલકોની સલામતી જોખમમાં મુકાય છે.
વાયરલ વિડીયોના આધારે મહુવા ટાઉન પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું કે જાહેર માર્ગ પર આ પ્રકારે બેફામ ડ્રાઇવિંગ અને સ્ટંટ કરવા એ ટ્રાફિક નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને તે રોડ સલામતી માટે ગંભીર ખતરો ઊભો કરે છે. આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પોલીસે આપી છે.