સત્ય. સાહસ. સંકલ્પ.

મહુધામાં ગર્ભવતી પત્નીની હત્યા: નેનો યુરિયા પીવડાવી મૃતદેહ લટકાવ્યો, પતિ અને જેઠની અટકાયત

મહુધામાં ગર્ભવતી પત્નીની હત્યા: નેનો યુરિયા પીવડાવી મૃતદેહ લટકાવ્યો, પતિ અને જેઠની અટકાયત

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના કપરૂપુર બારૈયાની મુવાડીમાં ગર્ભવતી મહિલા અરુણાબેનના શંકાસ્પદ મોતમાં પોલીસ તપાસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. શરૂઆતમાં આ કેસ આત્મહત્યા જેવો લાગતો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલાની હત્યા કરવામાં આવી હતી અને પછી તેને આત્મહત્યા ગણાવવા માટે મૃતદેહને લટકાવવામાં આવ્યો હતો.

મૃતકના ભાઈ વીરેન્દ્રસિંહની ફરિયાદ મુજબ, અરુણાબેનને તેના પતિ મિતુલ સોઢા, સાસુ કૈલાશબેન, જેઠ વિપુલ સોઢા અને જેઠાણી અલ્પાબેન દ્વારા ચારિત્ર્ય પર શંકા કરીને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ-પત્ની વચ્ચે પણ આ મુદ્દે વારંવાર ઝઘડા થતા હતા.

ડીવાયએસપી વિમલ બાજપાઈના જણાવ્યા અનુસાર, ઘટનાની રાત્રે અરુણાબેન અને મિતુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મિતુલે મોબાઈલમાં ગૂગલ પર સર્ચ કર્યું કે 'પત્નીની આત્મહત્યામાં પતિ કેટલો જવાબદાર ગણાય?'. પોલીસનું કહેવું છે કે ત્યારબાદ તેણે અરુણાબેનને જબરદસ્તીથી સોફા પર પટકીને ખેતરમાં વપરાતું નેનો યુરિયાનું લિક્વિડ પીવડાવ્યું હતું. હત્યા સમયે અરુણાબેન 14 માસની ગર્ભવતી હતી.

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ ઘટનામાં પરિવારના અન્ય સભ્યોએ પણ મદદ કરી હતી. આરોપ છે કે જેઠાણી અલ્પાબેને અરુણાબેનના પગ પકડી રાખ્યા હતા અને સાસુ કૈલાશબેને હાથ પકડી રાખ્યા હતા. મહિલાનું મોત થયાની ખાતરી થયા બાદ ઘટનાને આત્મહત્યા તરીકે દર્શાવવા માટે મૃતદેહને ઘરના પાછળના ભાગમાં બારી પાસે નાયલોનની દોરીથી લટકાવવામાં આવ્યો હતો.

પોલીસનું કહેવું છે કે આરોપીઓએ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ઝેરી પદાર્થની પ્લાસ્ટિકની કોથળીને ઘરના ચૂલામાં સળગાવી દેવામાં આવી હતી અને ઘટનાને સવાર સુધી છુપાવી રાખવામાં આવી હતી.

મહુધા પોલીસે આ કેસમાં પતિ મિતુલ સોઢા અને જેઠ વિપુલ સોઢાની અટકાયત કરી છે. ઘટનાસ્થળેથી નાયલોનની દોરી, એક મોબાઈલ ફોન અને એક બ્લેડ કબજે કરવામાં આવ્યા છે. અન્ય આરોપીઓની ધરપકડ માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે.