સત્ય. સાહસ. સંકલ્પ.

મહીસાગરમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરી પર કાર્યવાહી: ₹73 લાખના ભાડાકરારના 13 દસ્તાવેજો જપ્ત

મહીસાગરમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરી પર કાર્યવાહી: ₹73 લાખના ભાડાકરારના 13 દસ્તાવેજો જપ્ત

મહીસાગર જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી અટકાવવા માટે નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. ત્રણ દિવસ સુધી ચાલેલી આ ઝુંબેશમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 70થી વધુ કોમર્શિયલ યુનિટોની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

તપાસમાં લીમડીયા ચોકડી, લીમડીયા બસ સ્ટેશન, લુણાવાડા-ગોધરા હાઇવે, મોડાસા હાઇવે અને આસપાસના વિસ્તારોમાં આવેલા કોમ્પ્લેક્સ, દુકાનો, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ અને શોરૂમનો સમાવેશ થાય છે. આ તપાસમાં ભાડાકરારના દસ્તાવેજોમાં દર્શાવેલી રકમ અને તેના પર વપરાયેલા સ્ટેમ્પની કિંમત તથા દસ્તાવેજોની નોંધણીમાં ગંભીર અનિયમિતતાઓ જણાઈ આવી હતી.

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1985ની કલમ 33 હેઠળ કુલ 13 અસલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજોમાં ભાડાકરારની કુલ રકમ ₹73.36 લાખ જેટલી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે, આ દસ્તાવેજો પૈકી કેટલાક પર માત્ર ₹300ના સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.

નિયમ મુજબ, એક વર્ષથી વધુ સમયગાળાના ભાડાકરાર પર લાગુ પડતી જોગવાઈઓ અનુસાર જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહે છે. દરેક દસ્તાવેજમાં ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીની ચોક્કસ ગણતરી ભાડાકરારની મુદત, શરતો અને લાગુ પડતા કાયદા મુજબ કરવામાં આવશે.

વધુમાં, જપ્ત કરાયેલા 13 દસ્તાવેજોમાંથી 10 દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવી ન હોવાનું પ્રાથમિક ચકાસણીમાં ધ્યાને આવ્યું છે. આ કિસ્સાઓમાં સંબંધિત પક્ષકારોની જવાબદારી નક્કી કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.