મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામ પાસે ST બસ અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ મિત્રોમાંથી બે યુવકોના મોત થયા છે, જ્યારે એક યુવકને ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસમાંથી મળતી માહિતી મુજબ, મૃતકોની ઓળખ ગોવિંદ શંકરભાઈ પારગી અને હર્ષદભાઈ રાયસિંગભાઈ કલારા તરીકે થઈ છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું નામ હર્ષદભાઈ અછિનભાઈ ચરપોટ છે, જે હાલ સારવાર હેઠળ છે.
મળતી માહિતી અનુસાર, ત્રણેય મિત્રો તેમના વતન પરત ફરી રહ્યા હતા. ગોવિંદ પારગી ગાંધીનગરમાં અભ્યાસ કરતો હતો, જ્યારે તેના બે મિત્રો બાયડમાં મજૂરી કામ કરતા હતા. ત્રણેય મિત્રો ઝાલોદ તાલુકાના અલગ-અલગ ગામના વતની હોવાનું જણાય છે.
રસ્તામાં પીટોલ-પાટણ રૂટ પર દાહોદ ડેપોની ST બસ સાથે બાઇકની ટક્કર થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ સંતરામપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની વધુ તપાસ શરૂ કરી છે.