સત્ય. સાહસ. સંકલ્પ.

મહિસાગરમાં ST બસ-બાઇક અકસ્માત: બે યુવકોના મોત, એક ગંભીર ઘાયલ

મહિસાગરમાં ST બસ-બાઇક અકસ્માત: બે યુવકોના મોત, એક ગંભીર ઘાયલ

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામ પાસે દાહોદ ડેપોની પીટોલથી પાટણ જતી એસટી બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

મૃતકોની ઓળખ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બમ્બેલા ગામના ગોવિંદ પારગી અને ધાવડીયા ગામના હર્ષદ કલારા તરીકે થઈ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું નામ હર્ષદ ચરપોટ (ધાવડીયા) છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ગાંધીનગરમાં અભ્યાસ કરતો ગોવિંદ પારગી અને બાયડ ખાતે મજૂરી કામ કરતા તેના બે મિત્રો હર્ષદ કલારા તથા હર્ષદ ચરપોટ એક જ બાઇક પર સવાર થઈને પોતાના વતન તરફ જઈ રહ્યા હતા. તે સમયે હીરાપુર પાસે એસટી બસ સાથે તેમની બાઇક અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકનો કૂચો નીકળી ગયો હતો અને બસના આગળના ભાગને પણ નુકસાન થયું હતું.

અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા યુવકે સારવાર દરમિયાન હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો. મૃતકોની બેગમાંથી આઈકાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા મળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સંતરામપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં અને કોની ભૂલથી થયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.