સત્ય. સાહસ. સંકલ્પ.

લવાલ મારામારી કેસ: મહિપતસિંહ ચૌહાણે આક્ષેપો ફગાવ્યા, કહ્યું- દરેક વિવાદમાં મારું નામ ખોટું ઘસડાય છે

લવાલ મારામારી કેસ: મહિપતસિંહ ચૌહાણે આક્ષેપો ફગાવ્યા, કહ્યું- દરેક વિવાદમાં મારું નામ ખોટું ઘસડાય છે

ખેડા જિલ્લાના લવાલ ગામે થયેલી મારામારીના કેસમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મહિપતસિંહ ચૌહાણના પુત્ર સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં મહિપતસિંહ ચૌહાણે તમામ આક્ષેપો ફગાવી દીધા છે અને કહ્યું છે કે આ ગામનો આંતરિક વિવાદ છે, જેમાં તેમનું નામ ખોટી રીતે ઘસડવામાં આવી રહ્યું છે.

મહિપતસિંહ ચૌહાણે જણાવ્યું કે આ ઝઘડો અન્ય લોકો વચ્ચે થયો હતો, જે ફરિયાદ પરથી પણ સ્પષ્ટ થાય છે. તેમણે કહ્યું કે જ્યારે દાદાગીરી જરૂરિયાત કરતાં વધુ વધે ત્યારે કાયદાકીય પગલાં અને ફરિયાદ અનિવાર્ય બની જાય છે, જેથી સમાજમાં સુધારો થાય.

તેમના દીકરા સામે લોકોને ગેરમાર્ગે દોરવાના આક્ષેપો અંગે મહિપતસિંહે કહ્યું કે માત્ર તે તેમનો દીકરો છે એટલા માટે જ તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. વિરોધીઓ પણ જાહેરમાં સ્વીકારે છે કે તે સારું કામ કરે છે, પરંતુ હવે પરિવાર, પત્ની અને દીકરાને વચ્ચે લાવીને નામ ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે આ વિવાદમાં ગામની એક નિર્દોષ દીકરીનું નામ પણ ચગાવવામાં આવ્યું છે.

પત્ની પર લાગેલા આક્ષેપો અંગે તેમણે સ્પષ્ટતા કરી કે ફરિયાદીના ઘરે હુમલો કરવા જવાના આક્ષેપ ખોટા છે. માત્ર ટોળું દેખાઈ જવાથી એવું સાબિત થતું નથી કે તેમની પત્ની ત્યાં હાજર હતી કે કોઈના પર દંડો લઈને હુમલો કરવા ગઈ હતી. છેલ્લા બે દિવસથી તેમણે સંયમ જાળવીને સ્થિતિ જોઈ છે, પરંતુ તેમને દરેક બાબતમાં નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

મહિપતસિંહે સ્પષ્ટ કર્યું કે વાયરલ થયેલા સ્ટેટસ કે આ સમગ્ર ઘટના સાથે તેમના દીકરાને કોઈ લેવાદેવા નથી. સામે પક્ષનો એકમાત્ર હેતુ ગમે તેમ કરીને દીકરાનું નામ વચ્ચે લાવીને વિવાદ ઊભો કરવાનો છે.

તેમણે ઉમેર્યું કે તેઓ છેલ્લા 10 વર્ષથી જાહેર જીવનમાં છે અને જ્યારથી માર્કેટમાં આવ્યા છે ત્યારથી વિવાદો તેમની સાથે જોડાયેલા છે. હવે તો એવું લાગે છે કે મહિપતસિંહ અને વિવાદ એકબીજાના સમાનાર્થી શબ્દો બની ગયા છે.

આ કેસમાં કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ ચૌહાણે પણ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેઓ પોતાના પિતા દ્વારા કરવામાં આવતી સામાજિક સેવાના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. આ બાબતની અદાવત રાખીને ગામના મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણ અને હંસરાજસિંહ ચન્દ્રસિંહ જાડેજા તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ ન મૂકવા બાબતે ઝઘડો કરતા હતા. ગત 26 સપ્ટેમ્બરની રાત્રે કૃષ્ણપાલસિંહ ગામના ગેટ પાસે ઊભા હતા ત્યારે મહાવીરસિંહ હાથમાં લોખંડની પાઇપ લઈને આવ્યા હતા. તેમની સાથે અન્ય 8 શખ્સો પણ ગેરકાયદે મંડળી બનાવીને પહોંચ્યા હતા.

મહાવીરસિંહે લોખંડની પાઇપ કૃષ્ણપાલસિંહના માથામાં મારી દેતા તેમને ગંભીર ઈજા થઈ હતી. બૂમાબૂમ થતાં તેમને છોડાવવા પડેલા તેમના કાકા અને મિત્રને પણ માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત કૃષ્ણપાલસિંહને એમ્બ્યુલન્સ મારફતે ખેડાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

મહિપતસિંહ ચૌહાણ ખેડા જિલ્લાના લવાલ ગામના વતની, સામાજિક કાર્યકર અને મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનના સ્થાપક છે. તેઓ 'માહી સરપંચ'ના હુલામણા નામથી પણ ઓળખાય છે. તેઓ વર્ષ 2017માં લવાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટીમાંથી માતર અને ખંભાત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. શ્રમિકોના પગાર, અધિકારો અને જરૂરિયાતમંદ લોકોના પ્રશ્નોને લઈને તેમણે વિવિધ રજૂઆતો અને આંદોલનો કર્યા છે. મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા તેઓ વૃદ્ધાશ્રમ, શૈક્ષણિક સંકુલ અને અનાથ દીકરીઓના સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિઓ ચલાવે છે. અનાથ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ, રહેવા તથા ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે. માર્ચ 2026માં તેમના દ્વારા 101 માતા-પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા.