અભિનેતા અને ફિલ્મમેકર મહેશ માંજરેકરે તાજેતરમાં તેમના દિવંગત મિત્ર અને દિગ્ગજ અભિનેતા નાના પાટેકરને યાદ કર્યા છે. ન્યૂઝ18 મરાઠી સાથેની વાતચીતમાં માંજરેકરે 8 ઑક્ટોબર 2026ના રોજ ગોવામાં થયેલા નાના પાટેકરના નિધન પહેલાં તેમને છેલ્લી વાર મળી ન શકવાનો અફસોસ વ્યક્ત કર્યો.
આ દરમિયાન તેમણે વર્ષ 2018ના તનુશ્રી દત્તા વિવાદ પર પણ નિવેદન આપ્યું. માંજરેકરે દાવો કર્યો કે ફિલ્મ 'હૉર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર કંઈ પણ ખોટું થયું નહોતું અને તે જૂના મામલાને કોઈ કારણ વગર વધારે ચગાવવામાં આવ્યો.
માંજરેકરે કહ્યું, "હું સેટ પર હાજર દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે ઓળખતો હતો. તે દિવસે ત્યાં કંઈ થયું જ નહોતું. કેટલાક લોકો એવા હોય છે કે જો બધા લોકો તેમનું સમર્થન કરે અને એક વ્યક્તિ ન કરે, તો તેમને તે પસંદ આવતું નથી. તેઓ જૂની વાતોને ફરીથી ઉઠાવે છે. મને ખબર છે કે તે દિવસે સેટ પર શું થયું હતું. ત્યાં હાજર બધા લોકો મારા પરિચિત હતા અને બધાએ મને જણાવ્યું હતું કે સેટ પર કંઈ પણ થયું નહોતું. આ મામલાને બિનજરૂરી રીતે ઉછાળવામાં આવ્યો હતો."
વિવાદને કારણે નાના પાટેકર પર પડેલી અસરને યાદ કરતાં માંજરેકરે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલામાં નાનાએ કોઈ કારણ વગર ઘણું બધું સહન કર્યું છે. માંજરેકરના જણાવ્યા મુજબ, આવી વાતોને નજરઅંદાજ કરવી જોઈએ, પરંતુ સોશિયલ મીડિયાના યુગમાં દરેક વ્યક્તિનો પોતાનો અભિપ્રાય બની જાય છે અને તેનો કોઈ ઈલાજ નથી.
નાના પાટેકરના અવસાન બાદ અભિનેત્રી તનુશ્રી દત્તાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ફરી એકવાર આ વિવાદ વિશે વાત કરી હતી, જેના કારણે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો.
તનુશ્રી દત્તા અને નાના પાટેકર વચ્ચેનો વિવાદ વર્ષ 2008માં ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના શૂટિંગ દરમિયાન શરૂ થયો હતો. માર્ચ 2008માં મુંબઈના ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં ફિલ્મના એક ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું. તનુશ્રીનો આરોપ હતો કે ગીતના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે ડાન્સ સ્ટેપ શીખવવાના બહાને તેમની નજીક આવવા અને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગીતની કોરિયોગ્રાફીમાં એવા અંતરંગ સ્ટેપ્સ ઉમેરવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ અસહજ થઈ ગયાં હતાં. વિરોધ કરતાં તનુશ્રીએ શૂટિંગ અધવચ્ચે જ છોડી દીધું હતું. તેમના જણાવ્યા મુજબ, ત્યારબાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકર્તાઓએ સ્ટુડિયોની બહાર તેમની કાર પર હુમલો કર્યો હતો. તેમણે પોલીસ અને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિયેશન (CINTAA)માં પણ ફરિયાદ કરી હતી. ફિલ્મનું દિગ્દર્શન રાકેશ સારંગે કર્યું હતું.
સપ્ટેમ્બર 2018માં તનુશ્રીએ એક ટીવી ઇન્ટરવ્યૂમાં આ ઘટનાનો ફરી ઉલ્લેખ કર્યો. ત્યારબાદ આ મામલો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો. તનુશ્રીએ મુંબઈ પોલીસમાં નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, દિગ્દર્શક રાકેશ સારંગ અને નિર્માતા સામી સિદ્દીકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ, વર્ષ 2019માં મુંબઈ પોલીસે પૂરતા પુરાવા ન મળ્યાનું જણાવતાં અદાલતમાં બી-સમરી ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. ત્યારબાદ 2025માં મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ અદાલતે પણ પુરાવાના અભાવ અને ફરિયાદ કરવામાં થયેલા વિલંબના આધારે નાના પાટેકર વિરુદ્ધની ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી હતી.
વર્ષ 2024માં લલ્લનટોપને આપેલા એક ઇન્ટરવ્યૂમાં નાના પાટેકરને પૂછવામાં આવ્યું હતું કે તનુશ્રીએ તેમના પર ગંભીર આરોપો લગાવ્યા ત્યારે તેમને ગુસ્સો આવ્યો હતો કે નહીં. આ અંગે નાનાએ કહ્યું હતું, “જો આ વાત ખોટી છે, તો ગુસ્સો શેનો? હવે જે વાતો થઈ ગઈ છે, તેના વિશે શું કહેવું? મને ગુસ્સો આવ્યો નહોતો.” એફઆઈઆરના સવાલ પર નાનાએ કહ્યું હતું, “એ તો ઠીક છે, એ સિવાય બીજું કંઈ પણ થાય, તેના માટે મને કોઈ વાંધો નથી, પરંતુ અત્યારે આટલા લોકોની સામે જો કોઈ એક બાળક કે બાળકી કહે કે અમે... આ વ્યક્તિએ અમારી સાથે જબરદસ્તી કરી, હવે બધાને ખબર છે ને કે શું થયું છે. કંઈ ખબર નથી, કશું થયું જ નથી, તો અમને શું ખબર પડતી? થયું હોત તો અમે કંઈ નિવેદન આપત, જણાવત. કોઈ કહે કે તમે આવું કર્યું, તો અમે શું કહીશું? અમે નથી કર્યું, આ સિવાય બીજું શું કહેવું?”