પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતના પૂર્વ ઊર્જા અને નાણાં પ્રધાન સૌરભ પટેલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરના નિર્માણ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.
સૌરભ પટેલે જણાવ્યું કે મહાત્મા મંદિરનો પ્રોજેક્ટ શક્ય તેટલા ટૂંકા સમયમાં પૂરો કરવાનો હતો અને તેની જવાબદારી તેમને તથા તેમની ટીમને સોંપવામાં આવી હતી. આ વિશાળ પ્રોજેક્ટનું બાંધકામ એલ એન્ડ ટી (L&T) કંપનીને આપવામાં આવ્યું હતું. તે સમયે એલ એન્ડ ટીના ચેરમેન એ. એમ. નાયક હતા.
સૌરભ પટેલે યાદ કર્યું કે કામની ઝડપી દેખરેખ માટે તેઓ વારંવાર નાયક સાહેબને ફોન કરતા હતા. એક દિવસ નરેન્દ્ર મોદીએ, જેઓ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા, પોતે નાયક સાહેબ સાથે વાત કરી અને કહ્યું, “મેં આ પ્રોજેક્ટ એલ એન્ડ ટીને નહીં પરંતુ તમને (નાયકજીને) આપ્યો છે અને આ તમારી વ્યક્તિગત જવાબદારી છે.”
મહાત્મા મંદિરના નિર્માણ સ્થળે અંદાજે 7,000થી 8,000 કર્મચારીઓ અને કારીગરો રાત-દિવસ કામ કરી રહ્યા હતા. ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ અને અન્ય બહુવિધ કામો એકસાથે ચાલી રહ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના કારણે 11 જાન્યુઆરીએ ઉદ્ઘાટન નક્કી હતું. 11 જાન્યુઆરીના ઉદ્ઘાટન માટે એલ એન્ડ ટીના સુબ્રમણ્યમજીએ 8 કે 9 જાન્યુઆરી સુધીમાં કામ સોંપવાની વાત કરી. તે સમયે ટીમ સમક્ષ સાફ-સફાઈ અને સ્ટેજ તૈયાર કરવા માટે સમયનો મોટો પડકાર હતો.
છેલ્લા 5 થી 7 દિવસો અત્યંત દોડધામભર્યા રહ્યા હતા. પંજાબથી ખાસ ક્રેન ઓપરેટરો બોલાવાયા હતા કારણ કે વિશાળ બીમ્સ ગોઠવવા સામાન્ય બાબત નહોતી. મોદીનો ટીમ પરનો અચળ વિશ્વાસ જ સફળતાની ચાવી બન્યો.