સત્ય. સાહસ. સંકલ્પ.

મહારાષ્ટ્ર મતદાર યાદીમાં ટેકનિકલ ખામી: 2.7 લાખ મતદારોની ઉંમર 100 વર્ષથી વધુ નોંધાઈ

મહારાષ્ટ્ર મતદાર યાદીમાં ટેકનિકલ ખામી: 2.7 લાખ મતદારોની ઉંમર 100 વર્ષથી વધુ નોંધાઈ

મહારાષ્ટ્રની ડ્રાફ્ટ મતદાર યાદીમાં એક ગંભીર ટેકનિકલ ખામી સામે આવી છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR-2026) હેઠળ તૈયાર કરાયેલી આ યાદીમાં 2,70,313 મતદારોનું જન્મ વર્ષ 1900 નોંધાયું હતું, જેના કારણે તેમની ઉંમર 101થી 150 વર્ષ દેખાતી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ સિસ્ટમમાં જન્મ વર્ષનું ડિફોલ્ટ ફિલ્ડ 1900 સેટ થઈ જતાં આ ગરબડ થઈ હતી.

આ અસરગ્રસ્ત મતદારોમાંથી 88 ટકા એટલે કે 2,37,974 મતદારો માત્ર નાસિક જિલ્લાના ત્રણ વિધાનસભા મતવિસ્તારો – કલવણ, ચાંદવડ અને દેવલાલી –માં નોંધાયા હતા. બાકીના 32,339 મતદારો રાજ્યના અન્ય વિસ્તારોના હતા. ડ્રાફ્ટ યાદીમાં ઘણા મતદારોની ઉંમર સીધી 126 વર્ષ દર્શાવવામાં આવી હતી.

આ ભૂલ સુધારવામાં કેન્દ્રીય ચૂંટણી પંચને એક મહિનાથી વધુ સમય લાગ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોક્કલિંગમે ચૂંટણી પંચના IT વિભાગ પાસે જૂનો અને નવો ડેટા એક્સેલ ફોર્મેટમાં માંગ્યો હતો. 2 સપ્ટેમ્બર અને 8 સપ્ટેમ્બરે પત્રો લખ્યા છતાં ડેટા ન મળતાં તેમણે સિનિયર ડેપ્યુટી ઈલેક્શન કમિશનર મનીષ ગર્ગને તાકીદ કરી હતી. આખરે 5 ઑક્ટોબરે મીડિયા દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ 6 ઑક્ટોબરે સિસ્ટમમાંથી આ ખામી દૂર કરવામાં આવી હતી.

આ ઘટનાક્રમે ચૂંટણી પંચની આંતરિક કાર્યપ્રણાલી અને રાજ્યોની લાચારી ઉજાગર કરી છે. કાયદાકીય રીતે મતદાર યાદીમાં સુધારા કરવાની સત્તા ધરાવતા રાજ્યના CEO, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ પાસે પોર્ટલનો સંપૂર્ણ એક્સેસ ન હોવાની બાબતે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુએ વાંધો ઉઠાવ્યો હતો. બીજા ચૂંટણી કમિશનર વિવેક જોશીએ પણ મતદાર યાદીના ડેટાબેઝના સતત થઈ રહેલા કેન્દ્રીકરણને ચિંતાજનક ગણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં 31 ઑગસ્ટે પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ યાદીમાં મતદારોની સંખ્યા ઘટીને 7.72 કરોડ થઈ છે, જે SIR પહેલા 9.79 કરોડ હતી. આ યાદી સામે દાવા અને વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ 12 ઑક્ટોબર છે, જ્યારે આખરી મતદાર યાદી 16 નવેમ્બરે જાહેર થશે. એક સામાન્ય ભૂલ સુધારવા માટે રાજ્યના સર્વોચ્ચ અધિકારીને દિલ્હી સમક્ષ મહિના સુધી દોડધામ કરવી પડે તે વહીવટી પારદર્શિતા પર પ્રશ્નો ઉભા કરે છે.