મહારાષ્ટ્ર વિધાન પરિષદ (MLC) ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના શાસક ગઠબંધન 'મહાયુતિ'માં આંતરિક વિવાદ વકર્યો છે. ભાજપે શિવસેના પર ગઠબંધન ધર્મ ન નિભાવવાનો આરોપ મૂક્યો છે, જ્યારે શિવસેનાએ ભાજપ પર વળતો પ્રહાર કરતાં એકનાથ શિંદેને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે.
રાજ્યની 5 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને 3 બેઠકો મળી છે. NCP-SPએ પુણે સ્નાતક અને છત્રપતિ સંભાજીનગર સ્નાતક બેઠક જીતી છે. શિવસેનાના કિરણ સરનાઈકે અમરાવતી શિક્ષક બેઠક પર જીત મેળવી છે, જ્યારે ભાજપના કૌસ્તુભ ગાવડે પુણે શિક્ષક બેઠક પરથી વિજયી થયા છે. કોંગ્રેસે ભાજપના ગઢ ગણાતા નાગપુરમાં જીત નોંધાવી છે.
ભાજપના પ્રવક્તા નવનાથ કમલ ઉત્તમરાવે આક્ષેપ કર્યો કે, 'પુણે અને નાગપુરની શિક્ષક તેમજ સ્નાતક બેઠકો પર શિવસેનાએ અપેક્ષા મુજબ સાથ ન આપ્યો. પુણેમાં છેલ્લી ઘડીએ સચિન સનવને સમર્થન આપીને શિવસેનાએ ગઠબંધનની એકતાને નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત છત્રપતિ સંભાજીનગરમાં અબ્દુલ સત્તારે ખુલ્લેઆમ NCP વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. જો શિવસેનાએ સાથ આપ્યો હોત તો મહાયુતિ તમામ 5 બેઠકો જીતી શકી હોત, પરંતુ પુણેની 1 બેઠકના લોભમાં સહયોગી પક્ષોને નુકસાન પહોંચાડવામાં આવ્યું.'
ભાજપના આરોપો સામે શિવસેનાના નેતા રવિન્દ્ર ધંગેકરે પલટવાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'ભાજપ દ્વારા શિવસેના પર દોષારોપણ કરવું તદ્દન ખોટું છે. મતદારો અને શિક્ષકોના મનમાં વર્તમાન સરકાર પ્રત્યે અસંતોષ છે અને મતદાન બાદ તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. નેતૃત્વએ આ બાબતને ગંભીરતાથી ધ્યાને લેવી જોઈએ.'
ધંગેકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'જ્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપ-શિવસેના ગઠબંધન સત્તા પર આવ્યું હતું. રાજ્યમાં વર્તમાન નેતૃત્વ સામે ભારે અસંતોષ છે, તેથી નેતૃત્વ પરિવર્તન થવું જોઈએ. તમામ પક્ષો અને સમાજને સાથે લઈને ચાલવા માટે રાજ્યની કમાન ફરીથી એકનાથ શિંદેને સોંપવી જોઈએ અને તેમને મુખ્યમંત્રી બનાવવા જોઈએ.'
ઉલ્લેખનીય છે કે, દેશના 4 રાજ્યોની કુલ 28 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર નાગપુરની એક બેઠક મળી છે. આ પરિણામ ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવે છે, કારણ કે નાગપુર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો મતવિસ્તાર છે તેમજ ત્યાં RSSનું મુખ્ય મથક પણ આવેલું છે. કોંગ્રેસના વર્તમાન સભ્ય અભિજિત વંજારીએ ભાજપના પૂર્વ ધારાસભ્ય સુધાકર કોહલેને 3,271 મતોથી પરાજય આપ્યો હતો. વંજારીને 67,231 મત જ્યારે કોહલેને 63,960 મત મળ્યા હતા.