મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એશિયન હોસ્પિટલમાં આજે (શુક્રવારે) આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના NICU વોર્ડમાં બની, જ્યાં સારવાર હેઠળ નવ નવજાત બાળકો હતા. સદનસીબે, હોસ્પિટલ સ્ટાફ અને ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીને કારણે તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.
પ્રાથમિક તપાસમાં આગ એર કન્ડિશનરમાં શોર્ટ સર્કિટથી થઈ હોવાનું માનવામાં આવે છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ધુમાડા વચ્ચે હોસ્પિટલના સ્ટાફે બાળકોને ઝડપથી બહાર કાઢવા માટે અસાધારણ સાહસ દાખવ્યું.
બચાવાયેલા નવજાત બાળકોને વધુ સારવાર માટે તાત્કાલિક અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાએ NICU જેવા સંવેદનશીલ વિભાગોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાની ગંભીરતા ફરી ઉજાગર કરી છે. આગના ચોક્કસ કારણ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.