સત્ય. સાહસ. સંકલ્પ.

રાયગઢના દિવેઆગર બીચ પર દરિયામાં ડૂબી જવાથી પુણેના 8 વિદ્યાર્થીઓના મોત

રાયગઢના દિવેઆગર બીચ પર દરિયામાં ડૂબી જવાથી પુણેના 8 વિદ્યાર્થીઓના મોત

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા દિવેઆગર બીચ પર ગુરુવારે એક કરુણ દુર્ઘટના બની છે. પુણેના આળંદી વિસ્તારમાંથી પ્રવાસે આવેલા 8 વિદ્યાર્થીઓ દરિયામાં નહાતી વખતે ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ, આળંદી સ્થિત એક પ્રાઇવેટ ટ્યુશન ક્લાસના ધોરણ 11 અને 12ના કુલ 42 વિદ્યાર્થીઓ દિવેઆગર ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ગ્રૂપમાંથી 8 વિદ્યાર્થીઓ દરિયામાં નહાવા ઉતર્યા હતા. પાણીમાં ઉતર્યાના થોડા જ સમયમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું અને ઊંચા મોજાં ઉછળવા લાગ્યા, જેમાં તમામ 8 વિદ્યાર્થીઓ દરિયાના ઊંડાણમાં ગરકાવ થઈ ગયા હતા.

દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. મહાકાલી વોટર સ્પોર્ટ્સના કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી અને ભારે જહેમત બાદ તમામ 8 વિદ્યાર્થીઓના મૃતદેહ દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને બોરલી પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા છે.

સ્થાનિક બચાવ દળના જણાવ્યા મુજબ, દિવેઆગર બીચ સુંદર અને શાંત હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવે છે. જોકે બહારથી આવતા પ્રવાસીઓને દરિયાની વાસ્તવિક ઊંડાઈ અને ભરતી-ઓટના સમયનો યોગ્ય અંદાજ હોતો નથી. અચાનક ઊંચા ઉછળેલા મોજાંના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસ અને વહીવટી તંત્ર સાથે આવેલા શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરી વધુ વિગતો મેળવી રહ્યું છે.