સત્ય. સાહસ. સંકલ્પ.

મહાદેવ બેટિંગ એપ કેસ: દુબઈથી ઝડપાયેલો પ્રમોટર સૌરભ ચંદ્રાકર ED કસ્ટડીમાં, 3,500 કરોડની સંપત્તિ એટેચ

મહાદેવ બેટિંગ એપ કેસ: દુબઈથી ઝડપાયેલો પ્રમોટર સૌરભ ચંદ્રાકર ED કસ્ટડીમાં, 3,500 કરોડની સંપત્તિ એટેચ

મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. એપના સહ-માલિક અને પ્રમોટર સૌરભ ચંદ્રાકરની ધરપકડ કરવામાં આવી છે. EDએ 13 નવેમ્બર, 2026ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની કલમ 19 હેઠળ આ કાર્યવાહી કરી હતી. રાયપુરની વિશેષ કોર્ટે તેને 19 નવેમ્બર, 2026 સુધી એટલે કે 7 દિવસની ED કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ સિન્ડિકેટનો તે પ્રથમ પ્રમોટર છે જેને ભારત પરત લાવવામાં આવ્યો છે.

EDની તપાસ મુજબ, સૌરભ ચંદ્રાકર અને તેના સાથી પ્રમોટર રવિ ઉપ્પલ દુબઈ સ્થિત મુખ્ય મથકથી મહાદેવ ઓનલાઈન બુક નામની અનેક ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ વેબસાઈટ્સ ચલાવતા હતા. આ માટે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)માં બેટિંગ પેનલની ફ્રેન્ચાઈઝી બનાવવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર ખેલાડીઓ પાસેથી મળતી રકમ અન્ય લોકોના નામે ખોલાયેલા બેંક ખાતાઓમાં જમા કરવામાં આવતી હતી અને ત્યારબાદ હવાલા મારફતે ભારતની બહાર મોકલવામાં આવતી હતી.

EDએ 20 ઓક્ટોબર, 2023ના રોજ દાખલ કરેલી તેની મુખ્ય ફરિયાદમાં આ બેટિંગ સિન્ડિકેટની દર મહિનાની કમાણી અંદાજે 450 કરોડ રૂપિયા આંકી હતી.

EDના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2023માં સમન્સ જારી થવા છતાં સૌરભ ચંદ્રાકર તપાસ એજન્સી સમક્ષ હાજર થયો નહોતો અને સતત તપાસથી બચતો રહ્યો હતો. EDની અરજી પર વિશેષ PMLA કોર્ટે 4 સપ્ટેમ્બર, 2023ના રોજ તેની સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, જેના પગલે EDની વિનંતી પર ઈન્ટરપોલે પણ તેની સામે રેડ નોટિસ જારી કરી હતી.

સૌરભે આ વોરંટને છત્તીસગઢ હાઈકોર્ટમાં પડકાર્યું હતું, પરંતુ 22 માર્ચ, 2025ના રોજ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે ભારતીય પાસપોર્ટ હોવા છતાં તેણે વાનુઆતુનો પાસપોર્ટ મેળવ્યો હતો. તેણે વિશેષ કોર્ટમાં એવો દાવો પણ કર્યો હતો કે 28 જૂન, 2022ના રોજ તેણે ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.

EDએ સૌરભને ભારત પરત લાવવા માટે ભારત અને ઓમાન વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ હેઠળ કાર્યવાહી કરી હતી. વિશેષ કોર્ટ મારફતે ઓમાનને પ્રત્યાર્પણની વિનંતી મોકલવામાં આવી હતી, જેના આધારે 8 ઓક્ટોબર, 2026ના રોજ મસ્કતની અપીલ કોર્ટે તેના ભારત પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો.

ભારતીય દૂતાવાસ તરફથી સૌરભની ભારતીય નાગરિકતાની પુષ્ટિ થયા બાદ ઓમાનની કોર્ટે નાગરિકતા છોડવા અંગેની તેની દલીલ ફગાવી દીધી હતી. કોર્ટના રેકોર્ડ મુજબ, તેને મસ્કત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી નકલી મુસાફરી દસ્તાવેજો દ્વારા બહાર જવાનો પ્રયાસ કરતી વખતે ઝડપી લેવામાં આવ્યો હતો.

ત્યારબાદ CBIની ટીમ 1 નવેમ્બર, 2026ના રોજ તેને મસ્કતથી ભારત લઈ આવી હતી. EDએ આ સમગ્ર કાર્યવાહીમાં સહયોગ બદલ ઓમાનના અધિકારીઓનો આભાર માન્યો છે.

મહાદેવ બેટિંગ એપ કેસમાં ED અત્યાર સુધીમાં અંદાજે 190 સ્થળો પર દરોડા પાડી ચૂકી છે. તપાસ દરમિયાન લગભગ 2,000 કરોડ રૂપિયા જપ્ત અથવા ફ્રીઝ કરવામાં આવ્યા છે, જ્યારે અંદાજે 3,500 કરોડ રૂપિયાની સંપત્તિ એટેચ કરવામાં આવી છે. આમાં વિદેશમાં આવેલી અંદાજે 1,800 કરોડ રૂપિયાની સંપત્તિનો પણ સમાવેશ થાય છે, ઉપરાંત દુબઈમાં 22 સ્થાવર મિલકતો પણ એટેચ કરાઈ છે.