સત્ય. સાહસ. સંકલ્પ.

મહાદેવ એપ કેસ: મુખ્ય આરોપી સૌરભ ચંદ્રકર ઓમાનથી ભારત લવાયો

મહાદેવ એપ કેસ: મુખ્ય આરોપી સૌરભ ચંદ્રકર ઓમાનથી ભારત લવાયો

મહાદેવ ઓનલાઇન બુક એપ દ્વારા ચાલતા ગેરકાયદે સટ્ટાબાજીના કૌભાંડમાં મુખ્ય આરોપી સૌરભ ચંદ્રકરને ઓમાનમાંથી ભારત લાવવામાં આવ્યો છે. સીબીઆઈ અને અન્ય એજન્સીઓના સંયુક્ત પ્રયાસો બાદ તેનું પ્રત્યાર્પણ થયું છે.

સૌરભ ચંદ્રકર સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) માટે મોસ્ટ વોન્ટેડ હતો. તેની સામે ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી, જેના આધારે ઓમાન પોલીસે તેની અટકાયત કરી હતી.

મહાદેવ એપ દેશનું સૌથી મોટું ઓનલાઇન સટ્ટાબાજી નેટવર્ક હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. તે ફ્રેન્ચાઇઝી પેનલ દ્વારા સમગ્ર દેશમાં ચલાવવામાં આવતું હતું. છત્તીસગઢ સરકારની વિનંતી પર સીબીઆઈએ આ કેસની તપાસ શરૂ કરી હતી.

તપાસ મુજબ, સટ્ટાબાજીની કમાણીને ભાડાના બેંક ખાતા, બોગસ વ્યવહારો અને હવાલા ચેનલો દ્વારા છુપાવવામાં આવતી હતી. આ રકમનો એક હિસ્સો સરકારી અધિકારીઓને પ્રોટેક્શન મની તરીકે ચૂકવવામાં આવતો હતો.

ઇડીએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઓમાન સરકારની મંજૂરી બાદ સીબીઆઈની ટીમ સૌરભને ભારત લાવી છે. હવે તેનું મેડિકલ ચેકઅપ કરાશે અને પછી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર રાયપુર લઈ જવામાં આવશે, જ્યાં કોર્ટમાં રજૂ કરીને પૂછપરછ કરાશે.