સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 'મહાદેવ ઓનલાઇન બુક એપ' સાથે સંકળાયેલા પેનલ ઓપરેટરોના ઠેકાણાઓ પર ગુજરાત સહિત 6 રાજ્યોમાં 33 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી પ્લેટફોર્મના મુખ્ય પ્રમોટર અને આરોપી સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત લાવ્યા બાદ તેની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે કરવામાં આવી છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં આ દરોડા પડ્યા છે.
દરોડા દરમિયાન સક્રિય સટ્ટાબાજી અને જુગારની પેનલ્સ ચાલતી મળી આવી હતી, જેને બંધ કરી દેવામાં આવી છે. તપાસમાં ડિજિટલ ઉપકરણો, મોબાઇલ ફોન અને મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાંથી મ્યુલ એકાઉન્ટ્સ (બીજા લોકોના નામે ખોલાવેલા ખાતા) અને હવાલા નેટવર્કના ઉપયોગની વિગતો ખૂલી છે. આ તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
સૌરભ ચંદ્રાકરને 1 નવેમ્બર 2026ના રોજ CBIએ ધરપકડ કરી હતી. રાયપુરની વિશેષ અદાલતે તેને 8 દિવસના પોલીસ રિમાન્ડ પર CBIને સોંપ્યો હતો. પૂછપરછ દરમિયાન પ્લેટફોર્મ કેવી રીતે કાર્ય કરે છે અને ભારતમાં પેનલ ઓપરેટરોનું નેટવર્ક કેવી રીતે ફેલાયેલું છે તે અંગેની માહિતી મળી છે. તેને દસ્તાવેજી અને ડિજિટલ પુરાવા પણ બતાવવામાં આવ્યા હતા.
છત્તીસગઢ સરકાર પાસેથી કેસ મળ્યા બાદ CBIએ મહાદેવ ઓનલાઇન બુક કેસમાં બે FIR નોંધી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્લેટફોર્મ વિદેશમાં આવેલી મુખ્ય ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે અને ભારતમાં પેનલ ઓપરેટરોના વિશાળ નેટવર્ક દ્વારા તેનું સંચાલન થાય છે. આ ઓપરેટરો ગ્રાહકોની ID સંભાળે છે, બીજા લોકોના નામે ખોલાવેલા કે ભાડે લીધેલા બેંક ખાતામાં સટ્ટાબાજીના નાણાં એકત્ર કરે છે અને હવાલા મારફતે નફો વિદેશ મોકલે છે.
પોલીસ રિમાન્ડ પૂરો થતાં સૌરભ ચંદ્રાકરને 12 નવેમ્બર 2026ના રોજ રાયપુરની વિશેષ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 19 નવેમ્બર 2026 સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ કેસમાં અન્ય આરોપીઓ (જેમાં વિદેશમાં રહેતા લોકોનો પણ સમાવેશ થાય છે), સહાયક વ્યક્તિઓ અને સંકળાયેલા સરકારી કર્મચારીઓની ભૂમિકા અંગે તપાસ ચાલુ છે. અન્ય ફરાર આરોપીઓને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની કાર્યવાહી પણ ચાલી રહી છે. જનતાને ચેતવણી આપવામાં આવે છે કે ઓનલાઇન સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદેસર છે. આવી પ્રવૃત્તિઓ માટે પોતાનું બેંક ખાતું, સિમ કાર્ડ કે ઓળખના દસ્તાવેજો અન્યને આપવા કે ભાડે આપવા એ પણ ગુનો છે અને તેના કારણે ખાતાધારક સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.