સત્ય. સાહસ. સંકલ્પ.

‘મહાભારત’ના ભીમ સૌરવ ગુર્જરની ધરપકડ, લગ્નનું વચન આપી છેતરપિંડીનો આરોપ

‘મહાભારત’ના ભીમ સૌરવ ગુર્જરની ધરપકડ, લગ્નનું વચન આપી છેતરપિંડીનો આરોપ

ટેલિવિઝન સિરિયલ ‘મહાભારત’માં ભીમનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલા અભિનેતા અને રેસલર સૌરવ ગુર્જરને એક મહિલા સાથે લગ્નનું વચન આપી છેતરપિંડી અને ઉત્પીડન કરવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી છે. મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધાયો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.

ફરિયાદ મુજબ, મહિલાનો સૌરવ ગુર્જર સાથે 2021માં ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો હતો, જે પછી વોટ્સએપ પર ચેટિંગ દ્વારા સંબંધ નજીક આવ્યો. મહિલાનો દાવો છે કે અભિનેતાએ તેને લગ્ન કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. બંને અમેરિકામાં સાથે રહ્યા હતા અને મહિલા ભારત પરત આવી ત્યારે પણ સાથે રહેતા હતા.

મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે ભારતમાં સાથે મળીને બિઝનેસ શરૂ કરવાની લાલચ આપીને તેને અમેરિકામાં ચાલી રહેલી નોકરી છોડવા માટે રાજી કરવામાં આવી હતી.

ફરિયાદ અનુસાર, લગ્નનું પાકું વચન આપ્યા બાદ જ્યારે પણ મહિલા આગળના આયોજન વિશે વાત કરતી ત્યારે સૌરવ તેનો ફોન નંબર બ્લોક કરીને અંતર જાળવી લેતો હતો. મહિલાનો દાવો છે કે તેઓ ઓક્ટોબર 2025થી માર્ચ 2026 સુધી સાથે રહ્યા હતા, ત્યાર બાદ અભિનેતા કોઈ જાણ કર્યા વગર અચાનક ગાયબ થઈ ગયો અને સંપર્ક તોડી નાખ્યો.

ફરિયાદ મળ્યા બાદ ગાચીબોવલી પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી સૌરવ ગુર્જરને કસ્ટડીમાં લીધો હતો અને આગળની પૂછપરછ તથા કાયદેસરની પ્રક્રિયા માટે તેને હૈદરાબાદ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં કોર્ટની કાર્યવાહી બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

સૌરવ ગુર્જર મૂળ ગ્વાલિયરનો રહેવાસી છે અને નાનપણથી રેસલર બનવાની ઇચ્છા ધરાવતો હતો. આ સપનું પૂરું કરવા તે લગભગ 14 વર્ષ પહેલાં મુંબઈ આવ્યો હતો. તે WWE રેસલર રહ્યો છે અને રણબીર કપૂર અભિનીત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં વિલનની ભૂમિકામાં પણ જોવા મળ્યો હતો.