નવી દિલ્હી: દુબઈથી હૈદરાબાદ પહોંચેલા મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ કેસના મુખ્ય આરોપી અભિષેક કુમારની ધરપકડ કરવામાં આવી છે. ઇડીએ રાયપુર કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આ એપ દ્વારા 94,400 કરોડ રૂપિયાની ગેરકાયદે કમાણી થઈ છે.
તપાસ સંસ્થાએ કોર્ટને જણાવ્યું કે મહાદેવ ઓનલાઇન બુક નામની એપ વોટ્સએપ, ટેલિગ્રામ ગ્રૂપ અને ફેસબુક પેજ દ્વારા સટ્ટાબાજી વેબસાઇટોનો પ્રચાર કરે છે. આ એપ હજારો યુવાનોને ઓછા સમયમાં પૈસા કમાવવાની લાલચ આપીને પોતાની તરફ ખેંચતી હતી.
ઇડીએ વધુમાં જણાવ્યું કે મુખ્ય પ્લેટફોર્મ હજુ પણ ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં પેનલ ચાલુ છે. કેન્દ્રીય એજન્સીએ આ વાત છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પીએમએલએની વિશેષ કોર્ટમાં દાખલ કરેલી છઠ્ઠી ચાર્જશીટમાં જણાવી છે. જેમાં કુલ 42 લોકો અને કંપનીઓને આરોપી બનાવવામાં આવ્યા છે.
એજન્સીએ કોર્ટને જણાવ્યું કે મહાદેવ એપના મુખ્ય પ્રમોટર અને પેનલ સભ્યો આ જ રાજ્યના છે. એજન્સીના જણાવ્યા અનુસાર, મહાદેવ ઓનલાઇન બુકના નામથી જાણીતી આ એપ વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રૂપ તથા ફેસબુક પેજ દ્વારા સટ્ટાબાજી વેબસાઇટોનું પ્રચાર કરે છે.
એજન્સીએ છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં દાખલ સાત પોલીસ એફઆઇઆરને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર 2022માં પીએમએલએ હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો. ઇડીએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે પીએમએલએ, 2002 હેઠળની તપાસના તાજેતરના પરિણામો પરથી જાણવા મળે છે કે મહાદેવ ઓનલાઇન બુકિંગ એપ્લિકેશન હજુ પણ ચાલુ છે અને મોટી સંખ્યામાં પેનલ ચલાવી રહી છે.
અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે સીબીઆઇએ મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ કેસના મુખ્ય આરોપી અભિષેક કુમારની ધરપકડ કરી લીધી છે. તે ફરાર હતો અને દુબઇથી હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યો હતો.