સત્ય. સાહસ. સંકલ્પ.

મૅગ્નેશિયમ સપ્લિમેન્ટને ટૉફીની જેમ ખાવાનો ટ્રેન્ડ: નિષ્ણાતો ચેતવે છે ગંભીર જોખમ

મૅગ્નેશિયમ સપ્લિમેન્ટને ટૉફીની જેમ ખાવાનો ટ્રેન્ડ: નિષ્ણાતો ચેતવે છે ગંભીર જોખમ

આજકાલ સોશિયલ મીડિયા પર એક નવો હેલ્થ ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો મૅગ્નેશિયમ જેલી કે અન્ય સપ્લિમેન્ટ્સને રંગબેરંગી ટૉફીની જેમ ખાઈ રહ્યા છે અને તેમને એ હેલ્ધી અને કૂલ લાગે છે. અનેક રિપોર્ટ્સ અનુસાર, લોકો કોઈપણ તબીબી સલાહ વિના માત્ર સ્ટ્રેસ દૂર કરવા, રાત્રે સારી ઊંઘ મેળવવા કે સ્નાયુઓના દુખાવાથી રાહત મેળવવા માટે આ સપ્લિમેન્ટ્સનું સેવન કરી રહ્યા છે. પરંતુ નિષ્ણાતોના મતે, કોઈપણ વિટામિન કે મિનરલને કેન્ડીના રૂપમાં આડેધડ ખાવાથી શરીરને મોટું નુકસાન થઈ શકે છે.

નિષ્ણાતો કહે છે કે મૅગ્નેશિયમની સૌથી પહેલી અને મોટી અસર પેટ પર પડે છે. તેનું વધુ પડતું સેવન પેટમાં પાણીનું પ્રમાણ ખેંચે છે, જેના લીધે ગંભીર ઝાડા, પેટમાં તીવ્ર દુખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે.

મૅગ્નેશિયમ શરીર માટે જરૂરી તત્વ છે, પરંતુ તેને ચોક્કસ મર્યાદાથી વધુ ન લેવું જોઈએ. જ્યારે તેને વધુ પડતી માત્રામાં શરીરમાં લેવામાં આવે છે, ત્યારે લોહીમાં મૅગ્નેશિયમનું સ્તર ખતરનાક રીતે વધી જાય છે, જેને મેડિકલ ભાષામાં ‘હાઇપરમેગ્નેસીમિયા’ (Hypermagnesemia) કહેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિએ દિવસમાં 350 મિલીગ્રામથી વધુ મૅગ્નેશિયમ ન લેવું જોઈએ, અન્યથા તે શરીરમાં ઝેર સમાન સાબિત થઈ શકે છે.

મૅગ્નેશિયમના ઓવરડોઝથી બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો થઈ શકે છે. કારણ કે તે રક્તવાહિનીઓને અત્યંત શિથિલ (રિલેક્સ) કરી દે છે. તેનો ઓવરડોઝ હૃદયની નર્વસ સિસ્ટમ પર પણ માઠી અસર કરે છે. આ ઉપરાંત ફેફસાંના સ્નાયુઓ વધુ પડતા રિલેક્સ થવાથી શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.

કિડની શરીરમાંથી વધારાના મિનરલ્સ બહાર કાઢવાનું કામ કરે છે. આવા સપ્લિમેન્ટ્સનું રોજેરોજ આડેધડ સેવન કિડની પર વધારાનો તણાવ પેદા કરે છે, જે ખાસ કરીને કિડનીની બીમારી ધરાવતા દર્દીઓ માટે અત્યંત ગંભીર સાબિત થઈ શકે છે.

આ ગમી કેન્ડીઝ ટૉફી જેવી લાગે તે માટે તેમાં આર્ટિફિશિયલ શુગર, ફ્લેવર્સ અને સીરપ ઉમેરવામાં આવે છે. તેનું સતત સેવન કરવાથી દાંતમાં સડો (કેવિટી) થઈ શકે છે અને વધારાની કેલરીના કારણે વજન વધવા તેમજ હાઇ બ્લડ શુગરનું જોખમ રહે છે.

જો ઊંઘ ન આવતી હોય કે થાક લાગતો હોય તો તરત જ મૅગ્નેશિયમ કેપ્સ્યુલ કે ગમીઝ ખાવાને બદલે લીલા પાંદડાવાળા શાકભાજી, બદામ, કાજુ અને તજ જેવા કુદરતી સ્ત્રોતોનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. કોઈપણ સપ્લિમેન્ટ શરૂ કરતાં પહેલાં હંમેશા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.