મધ્યપ્રદેશના સિવની જિલ્લાના છપારા ગામના મહાવીર વોર્ડમાં જૈન મહોલ્લામાં સોનાના વેપારી કુન્દન લાલ સોનીના ત્રણ માળના મકાનમાં ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના છ લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકોને બચાવી લેવાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે લગભગ 4 વાગ્યે જ્યારે આખો પરિવાર ઊંઘમાં હતો, ત્યારે અચાનક આગ ભડકી ઊઠી. થોડી જ વારમાં આગની જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આખા ઘરમાં ધુમાડો તથા આગ ફેલાઈ ગઈ. ઘટના સમયે મકાનમાં લગભગ 10 લોકો હાજર હતા. સૂતેલા લોકોને બહાર નીકળવાની તક મળી નહોતી.
ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી. પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવીને ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા.
ઘટનાસ્થળે હાજર SDOP અપૂર્વ ભલાવીએ ટેલિફોનિક માહિતી આપતાં જણાવ્યું કે, 'સોનાના વેપારીના ત્રણ માળના મકાનમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. ઘરમાં આગ લાગવાના સ્પષ્ટ કારણોની હાલ ખબર પડી શકી નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.'
આ ઘટના સ્થાનિક વિસ્તારમાં શોકની લહેર પેદા કરી છે. સત્તાવાળાઓએ લોકોને અફવાઓ ન ફેલાવવા અને તપાસમાં સહકાર આપવાની અપીલ કરી છે.