મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના ભીમપુર વિકાસખંડ હેઠળના ભાડરી ગામમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે. પરિવાર એજ્યુકેશન સોસાયટીની કુટીર સંસ્થા તરફથી બાળકોને દૂધ, કેળા અને ચોળીના બીજ નાસ્તામાં આપવામાં આવ્યા હતા. આ નાસ્તો કર્યા બાદ અચાનક 32 બાળકોની તબિયત લથડી હતી અને તેમને ઉલટીઓ થવા લાગી હતી.
તબિયત લથડતાં જ પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો અને તમામ બાળકોને તાત્કાલિક ભીમપુર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. SDM અને CMHO સહિતના ઉચ્ચ અધિકારીઓએ ભીમપુર સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચીને બાળકોની સારવારની સ્થિતિની સમીક્ષા કરી હતી.
બેતુલના CMHO સંજીવ શર્માના જણાવ્યા અનુસાર, કુટીર સંસ્થામાંથી આપવામાં આવેલી ખાદ્યસામગ્રી ખાધા બાદ બાળકોને ઉલટીઓ થવા લાગી હતી. હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે અને તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ માટે દૂધના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં પોતાના બાળકની સારવાર કરાવી રહેલા સ્થાનિક વાલી સુમરત કાસદેએ જણાવ્યું કે, તેમનું બાળક કુટીર ગયું હતું જ્યાં તેને દૂધ અને કેળા આપવામાં આવ્યા હતા. ત્યાર પછી તે સીધો શાળાએ ગયો અને ત્યાં તેણે કશું ખાધું નહોતું. થોડી જ વારમાં શાળામાંથી સમાચાર મળ્યા કે બાળકોને ઉલટીઓ થઈ રહી છે, જેથી પરિવારજનો દોડી આવ્યા અને બાળકોને હોસ્પિટલ ખસેડ્યા હતા.