સત્ય. સાહસ. સંકલ્પ.

પંજાબના ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુની હત્યાના આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

પંજાબના ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુની હત્યાના આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંજાબના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુની હત્યાના એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ પરમિંદર પ્રસાદ ઉર્ફે પરમિંદર કાકા છે, જે ગોલ્ડી ધિલ્લોન ગેંગ સાથે સંકળાયેલો હોવાનું પોલીસ માને છે.

ગયા વર્ષે 3 ઓક્ટોબરે સાંજે 6 વાગે અમૃતસરના લોહારકા રોડ પર મેડ સંધુ કાર ધોવા માટે આપીને રાહ જોઈ રહ્યા હતા. તે સમયે બાઇક પર આવેલા બે શખ્સોએ તેમના પર 4-5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ગોળી વાગતાં તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મોત થયું હતું. હત્યા બાદ ગોલ્ડી ધિલ્લોન નામના ફેસબુક પેજ પરથી જવાબદારી લેવામાં આવી હતી.

ઘટનાની ફરિયાદ અમૃતસરના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફાયરિંગ બાદ બંને આરોપી ફરાર હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે પરમિંદર પંજાબથી નાસીને અમદાવાદ આવી ગયો છે. તેના આધારે પોલીસે તેની ધરપકડ કરી. પૂછપરછ બાદ આરોપીને પંજાબ પોલીસને સોંપવામાં આવશે.

મેડ સંધુ મેકઅપ આર્ટિસ્ટ, ફેશન ડિઝાઇનર અને LGBTQ કોમ્યુનિટીના જાણીતા ચહેરા હતા. તેમની હત્યાની ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તેઓ લોહીથી લથપથ રસ્તા પર પડેલા જોવા મળે છે.