સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રાઝિલમાં લુલા દા સિલ્વાનો ઐતિહાસિક વિજય, ટ્રમ્પના સમર્થન છતાં બોલ્સોનારોનો પરાજય

બ્રાઝિલમાં લુલા દા સિલ્વાનો ઐતિહાસિક વિજય, ટ્રમ્પના સમર્થન છતાં બોલ્સોનારોનો પરાજય

બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઐતિહાસિક ઉલટફેર જોવા મળ્યો છે. 80 વર્ષીય લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ચોથી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખુલ્લા સમર્થન છતાં લુલાએ જીત મેળવી છે.

પ્રથમ તબક્કામાં લુલા બીજા ક્રમે હતા, પરંતુ બીજા તબક્કામાં તેમણે બાજી પલટી નાખી. તેમણે ટ્રમ્પના સમર્થન ધરાવતા ફ્લાવિયો બોલ્સોનારોને હરાવ્યા છે. ફ્લાવિયો પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના પુત્ર છે.

જીત બાદ લુલાએ કહ્યું કે બ્રાઝિલ કોઈની કઠપૂતળી નહીં બને અને તે પોતાના નિર્ણયો સ્વતંત્ર રીતે લેશે.

1989માં બ્રાઝિલમાં સીધી રાષ્ટ્રપતિની ચૂંટણી શરૂ થઈ ત્યારથી પહેલીવાર એવું બન્યું છે કે પ્રથમ તબક્કામાં બીજા ક્રમે રહેલો ઉમેદવાર અંતિમ તબક્કામાં જીત્યો હોય.

લુલાએ 2003થી 2011 સુધી બ્રાઝિલના રાષ્ટ્રપતિ રહ્યા છે. 2018માં ભ્રષ્ટાચારના કેસમાં તેમને જેલમાં જવું પડ્યું હતું, પરંતુ પછીથી તેમની સજા રદ થઈ હતી. 2022માં તેમણે જાયર બોલ્સોનારોને હરાવીને ફરી સત્તા મેળવી હતી.

આ વખતની ચૂંટણીમાં મહિલાઓએ લુલાને મોટા પ્રમાણમાં સમર્થન આપ્યું. સર્વે મુજબ 49% મહિલાઓએ લુલાને મત આપ્યો, જ્યારે ફ્લાવિયોને 40% મહિલાઓનું સમર્થન મળ્યું. કેથોલિક મતદારોમાં પણ લુલાને 52% અને ફ્લાવિયોને 42% મત મળ્યા.

લુલાની જીત પછી પણ સંસદમાં તેમના માટે પડકારો રહેશે. દક્ષિણપંથી પક્ષો મજબૂત છે. બોલ્સોનારોની લિબરલ પાર્ટી અને તેના સહયોગીઓને નીચલા ગૃહમાં 280થી વધુ અને સેનેટમાં 50 સુધી બેઠકો મળવાનો અંદાજ છે. આથી લુલાને તેમના નિર્ણયો લાગુ કરવા માટે અન્ય પક્ષોનો સાથ લેવો પડશે.

લુલાએ ગરીબો અને મજૂરો માટે સરકારી સહાયમાં 15% વધારો કરવાનું અને સપ્તાહાંતે જાહેર પરિવહન મફત કરવાનું વચન આપ્યું છે. જોકે, આર્થિક દબાણ વચ્ચે તેમને આ વચનો પૂરા કરવા મુશ્કેલ બની શકે છે. દેશમાં વ્યાજદરો ઊંચા છે, સરકારી દેવું વધી રહ્યું છે અને આવતા વર્ષે આર્થિક વિકાસ દર 2.3% રહેવાનો અંદાજ છે.