સત્ય. સાહસ. સંકલ્પ.

લ્યુક વિલિયમ્સ મુંબઈ ઇન્ડિયન્સ મહિલા ટીમના નવા મુખ્ય કોચ, WPL 2027 પહેલા મોટી જવાબદારી

લ્યુક વિલિયમ્સ મુંબઈ ઇન્ડિયન્સ મહિલા ટીમના નવા મુખ્ય કોચ, WPL 2027 પહેલા મોટી જવાબદારી

મુંબઈ ઇન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગ (WPL) 2027 પહેલા તેની મહિલા ટીમના નવા મુખ્ય કોચ તરીકે લ્યુક વિલિયમ્સની નિમણૂક કરી છે. વિલિયમ્સે લિસા કીથલીનું સ્થાન લીધું છે, જેમણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં નવી જવાબદારી મળતાં મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડ્યો હતો.

ખેલાડી તરીકે વિલિયમ્સની કારકિર્દી ખાસ રહી નહોતી. તેણે દક્ષિણ ઓસ્ટ્રેલિયા માટે માત્ર પાંચ મેચ રમી હતી અને 11.40ની સરેરાશથી 114 રન બનાવ્યા હતા. આ પાંચ મેચમાં તેણે એક પણ સદી કે અડધી સદી ફટકારી નહોતી અને બોલિંગમાં પણ એક પણ વિકેટ મેળવી નહોતી. 28 જાન્યુઆરી 2005ના રોજ તેની ખેલાડી તરીકેની કારકિર્દી પૂરી થઈ હતી. ત્યારબાદ તેણે કોચિંગમાં કારકિર્દી બનાવી.

કોચ તરીકે વિલિયમ્સની કારકિર્દી અત્યંત સફળ રહી છે. તેમણે 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને WPLનું પ્રથમ ટાઇટલ અપાવ્યું હતું. ડબલ્યુબીબીએલ (WBBL)માં પણ તેમણે શાનદાર કામગીરી કરી છે. તેમણે એડિલેડ સ્ટ્રાઈકર્સને 2022 અને 2023માં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધ હન્ડ્રેડ ટૂર્નામેન્ટમાં તેમણે સધર્ન બ્રેવ્સને બે વખત ફાઇનલમાં પહોંચાડ્યું હતું અને 2023માં ટીમે તેમના માર્ગદર્શન હેઠળ ટાઇટલ પણ જીત્યું હતું.

હવે 20 વર્ષથી વધુના કોચિંગ અનુભવ સાથે વિલિયમ્સ મુંબઈ ઇન્ડિયન્સની મહિલા ટીમની કમાન સંભાળશે અને WPL 2027માં ટીમને નવી દિશા આપવાનો પ્રયાસ કરશે.