સત્ય. સાહસ. સંકલ્પ.

લખનઉમાં આઘાતજનક ટ્રિપલ મર્ડર: RSS નેતા, તેમના દીકરા અને ભાઈની ગોળી મારીને હત્યા

લખનઉમાં આઘાતજનક ટ્રિપલ મર્ડર: RSS નેતા, તેમના દીકરા અને ભાઈની ગોળી મારીને હત્યા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં RSS નેતા શિવા તિવારી, તેમના પુત્ર સુયશ અને ભાઈ શિવેન્દ્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યાકાંડનો લગભગ 3 મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં આરોપી પાડોશી ઋષભ શુક્લા પિસ્તોલથી ધડાધડ ગોળીઓ ચલાવતો જોઈ શકાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શિવા તિવારી અને તેમના પાડોશી ઋષભ શુક્લા વચ્ચે ઝાડ નીચે ઓટલો બનાવવા અને કાર પાર્કિંગ કરવાની બાબતે વિવાદ થયો હતો. આ વિવાદમાં પહેલાં શિવા તિવારીના પુત્ર સુયશ અને ઋષભ વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. વાયરલ વીડિયોમાં બંને કાર પાસે ઝઘડતા જોઈ શકાય છે. આ દરમિયાન ઋષભે સુયશને નીચે પછાડીને તેના પેટમાં ગોળી મારી દીધી હતી. પુત્રને બચાવવા દોડી આવેલા શિવા તિવારીને પણ ઋષભે માથામાં ગોળી મારી દીધી હતી. તેઓ જમીન પર પડી ગયા બાદ પણ આરોપીએ તેમના પર વધુ ગોળીઓ ચલાવી હતી.

ઘટનાની જાણ થતાં શિવા તિવારીના ભાઈ શિવેન્દ્ર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં આરોપીએ તેમને પણ ગોળી મારી દીધી હતી. આ દરમિયાન શિવેન્દ્રની દીકરી સુમેધા આરોપી સામે હાથ જોડીને પિતાનો જીવ બચાવવા માટે આજીજી કરતી જોઈ શકાય છે. જોકે, આરોપીએ તેની વાત સાંભળી નહીં અને શિવેન્દ્ર પર ફરી ગોળી ચલાવી હતી. વીડિયોમાં આરોપીની બહેન પણ શિવેન્દ્રને લાકડી મારતી જોઈ શકાય છે. ગોળીબાર બાદ આરોપી બૂમો પાડતો પણ જોઈ શકાય છે.

વાયરલ વીડિયોમાં આરોપી સતત ફાયરિંગ કરતો જોઈ શકાય છે. પિસ્તોલની એક મેગેઝિન ખાલી થયા બાદ તે બીજી મેગેઝિન લોડ કરે છે અને ફરી ગોળીઓ ચલાવે છે. ત્રણેય લોકો પર ગોળીબાર કર્યા બાદ તે પોતાના ઘર તરફ જતો રહે છે. ફાયરિંગ શરૂ થતાં જ આસપાસના લોકોમાં નાસભાગ મચી જાય છે.

આ ઘટનાનો વધુ એક 2 મિનિટ 35 સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચીને આરોપી ઋષભ શુક્લાને પકડી પાડતા જોઈ શકાય છે. આરોપીની ધરપકડ બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. ત્યારબાદ પોલીસ આરોપી, તેની બહેનો, પિતા અને કાકાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.